રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને 23 રનથી હરાવીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું. પરંતુ આ હારથી પંજાબ કિંગ્સ માટે પ્લેઓફમાં પહોંચવાનું મુશ્કેલ બન્યું છે. ધર્મશાલામાં રમાયેલી મેચમાં RCB એ પ્રથમ બેટિંગ કરીને 222 રન બનાવ્યા હતા.

જેના જવાબમાં પંજાબ ફક્ત 199 રન જ બનાવી શક્યું. મેચ પછી કેપ્ટન શ્રેયસ ઐયરે હારનું સૌથી મોટું કારણ જાહેર કર્યું. તેમને પ્લેઓફમાં પહોંચવા અંગે પણ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું.

પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે સ્વીકાર્યું કે તેમની ટીમ 223 રનના મુશ્કેલ ટાર્ગેટનો પીછો કરતી વખતે શરૂઆતમાં જ પાછળ રહી ગઈ હતી અને પાવરપ્લેમાં મેચ હારી ગઈ હતી. મેચમાં પંજાબે માત્ર 19 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પંજાબ કિંગ્સનો 23 રનથી પરાજય થયો હતો, જે સિઝનની તેમની છઠ્ઠી હાર હતી. પંજાબ કિંગ્સના હવે 13 મેચમાં 13 પોઈન્ટ છે.

શ્રેયસ ઐયરે હાર બાદ કહી આ વાત

મેચ પછી શ્રેયસ ઐયરે કહ્યું કે "તેઓએ શાનદાર શરૂઆત કરી અને પછી પાવરપ્લે પછી તરત જ બોલરોને નિશાન બનાવ્યા. મને લાગે છે કે 222 સુધી પહોંચવું એ એક પ્રશંસનીય પ્રદર્શન હતું અને અમે બોલિંગમાં વધુ વિકેટો લીધી ન હતી, પરંતુ મને લાગે છે કે અમે પાવરપ્લેમાં જ મેચ હારી ગયા.

અમે ત્રણ ખેલાડીઓ ગુમાવ્યા અને પ્રભસિમરન અને પ્રિયાંશે અમારા માટે મોટાભાગના રન બનાવ્યા. તેઓ અમને પાવરપ્લેમાં જે શરૂઆત આપતા હતા તે આપી શક્યા નહીં. હું પણ વહેલો આઉટ થઈ ગયો. તે નિરાશાજનક પ્રદર્શન હતું, પરંતુ શશાંક સિંહ અને માર્કસ સ્ટોઈનિસ અને મધ્યમાં કેટલાક અન્ય ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું."

હંમેશા આશાનું કિરણ હોય છે: શ્રેયસ ઐયર

આ હાર છતાં શ્રેયસ ઐયર પ્લેઓફમાં પહોંચવાનો આત્મવિશ્વાસ ધરાવે છે. તે ક્વોલિફાય થવાની આશા રાખે છે. છેલ્લી લીગ મેચ અંગે તેને કહ્યું કે "પરિણામ ગમે તે હોય, હું હંમેશા સકારાત્મક રહું છું. તે મારા વ્યક્તિત્વને અસર કરતું નથી, અને હું હંમેશા દૃઢ નિશ્ચય સાથે આગળ વધું છું. હું ભૂતકાળ પર ધ્યાન આપતો નથી. બધું સમાપ્ત થઈ ગયું છે, બધું જ ગયું છે. કાલે હું ફરીથી સૂર્યોદય જોઈશ, અને દરેક મુશ્કેલી પછી, હંમેશા આશાનું કિરણ હોય છે."

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?