IPL 2026ની પહેલી મેચમાં જ ફોર અને સિક્સરનો વરસાદ થયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે RCB માટે 202 રનનો વિશાળ ટાર્ગેટ રાખ્યો હતો. જવાબમાં RCBએ ઇમ્પેક્ટ પ્લેયર નિયમનો ફાયદો ઉઠાવ્યો. પ્લેઇંગ ઈલેવનમાં શામેલ ન હોવા છતાં દેવદત્ત પડિકલને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યો અને તેને મેચનો રસ્તો સંપૂર્ણપણે બદલી નાખ્યો.
દેવદત્ત પડિકલે તોફાની ઈનિંગ રમી
આ મેચમાં જેકબ ડફીના સ્થાને આવેલા દેવદત્ત પડિકલને ત્રીજા નંબરે બેટિંગ કરવાની તક આપવામાં આવી હતી. તેને આક્રમક બેટિંગ કરતા માત્ર 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેને કુલ 26 બોલનો સામનો કર્યો અને 7 ફોર અને 4 સિક્સર સહિત 61 રન બનાવ્યા. તેની આક્રમક ઇનિંગે RCBની જીતની આશા મજબૂત બનાવી. દેવદત્ત પડિકલે ગયા સિઝનમાં સારું પ્રદર્શન કર્યું હતું, તેને 10 મેચમાં 247 રન બનાવ્યા હતા. પરંતુ ઈજાને કારણે તે આખી સિઝનમાં રમી શક્યો ન હતો. તેમ છતાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ તેને જાળવી રાખ્યો, અને તેને આ સિઝનની શરૂઆત શાનદાર ઈનિંગ્સથી કરી.
ઈમ્પેક્ટ પ્લેયરનો યોગ્ય રીતે ઉપયોગ થયો
RCB માટે ઈમ્પેક્ટ પ્લેયરનો આ ઉપયોગ ખૂબ સફળ સાબિત થયો, કારણ કે જેકબ ડફીએ અગાઉ નોંધપાત્ર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. ન્યુઝીલેન્ડના આ ઝડપી બોલરે સતત 4 ઓવર ફેંકી હતી, જેમાં માત્ર 22 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. તેને 13 ડોટ બોલ પણ ફેંક્યા હતા, જેનાથી સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ થઈ ગઈ હતી. જેકબ ડફીએ પાવરપ્લેમાં મુખ્ય બેટ્સમેન અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને નીતિશ કુમાર રેડ્ડીને આઉટ કર્યા હતા, જેના કારણે SRH ત્રણ વિકેટ 29 રન પર પડી ગઈ હતી.
બેંગલુરુએ હૈદરાબાદને 6 વિકેટથી હરાવ્યું
વિરાટ કોહલીના 38 બોલમાં અણનમ 69 રન અને દેવદત્ત પડિકલના 26 બોલમાં 61 રનની મદદથી આરસીબીએ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવવામાં મદદ કરી. સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા પ્રથમ બેટિંગ કરીને 201 રન બનાવ્યા.
તેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ માત્ર 15.4 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કર્યું. આમ આરસીબીએ આઈપીએલ 2026 ની શરૂઆત જીત સાથે કરી. ઈશાન કિશન કેપ્ટન તરીકે તેની પહેલી મેચ હારી ગયો.
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!