રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં પોતાની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટ જગતને હચમચાવી દીધું છે. આરસીબી (RCB) સામે માત્ર 26 બોલમાં 78 રનની ઈનિંગ રમીને તેણે સાબિત કરી દીધું છે કે, ઉંમર માત્ર એક આંકડો છે. આ પ્રદર્શન બાદ પૂર્વ ભારતીય વિકેટકીપર સબા કરીમે વૈભવના વખાણ કરતા મોટું નિવેદન આપ્યું છે.
સબા કરીમની ભવિષ્યવાણી
ભારતની પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન સબા કરીમે વૈભવ સૂર્યવંશીની પ્રતિભાને બિરદાવતા જણાવ્યું છે કે, આ યુવા ખેલાડીનો સમય હવે શરૂ થયો છે. 'જિયોસ્ટાર' સાથેની વાતચીતમાં કરીમે કહ્યું કે, વૈભવને બેટિંગ કરતો જોવો એ એક લ્હાવો છે. તેનામાં ટેલેન્ટની કોઈ કમી નથી અને આટલી નાની ઉંમરે તેના શોટ્સમાં જે આત્મવિશ્વાસ અને પરિપક્વતા દેખાય છે તે અદ્ભુત છે.
બેટિંગ કરવાની રીત એક અનુભવી ખેલાડી જેવી
કરીમે વધુમાં ઉમેર્યું હતું કે, વૈભવ માત્ર ફાસ્ટ બોલરો જ નહીં, પરંતુ સ્પિનરો સામે પણ એટલો જ સહજ છે. તે મેદાનની ચારેબાજુ શોટ્સ ફટકારે છે અને સ્ટ્રાઈક રોટેટ કરવામાં પણ માહેર છે. જોકે તે સદી ચૂકી ગયો, પણ તેની બેટિંગ કરવાની રીત એક અનુભવી ખેલાડી જેવી છે.
ભુવનેશ્વર કુમારે પણ કર્યા વખાણ
RCBના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પણ સ્વીકાર્યું કે, વૈભવની બેટિંગે મેચ તેમની પાસેથી છીનવી લીધી હતી. ભુવનેશ્વરે કહ્યું, વૈભવ કોઈ આડેધડ શોટ્સ નથી રમતો, પણ તે પ્રોપર ક્રિકેટિંગ શોટ્સ રમે છે. 15 વર્ષની ઉંમરે તેનામાં જે સમજણ છે તે કાબિલે તારીફ છે.
આ પણ વાંચો - IPL 2026 PBKS Vs SRH: પ્રિયાંશ આર્યાની ધૂઆંધાર બેટિંગ, અભિષેક શર્મા કરતા પણ ફાસ્ટ ફટકારી ફિફ્ટી