IPL 2026માં રેકોર્ડ તૂટતા રહે છે અને આ વખતે ગુજરાત ટાઈટન્સના યુવા સ્ટાર બેટ્સમેન સાઈ સુદર્શને ઈતિહાસ રચ્યો છે. માત્ર 24 વર્ષની ઉંમરે સાઈ સુદર્શને એવી સિદ્ધિ હાંસલ કરી જે વિશ્વના અન્ય કોઈ બેટ્સમેને ક્યારેય હાંસલ કરી ન હતી. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં તેને T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 3,000 રન પૂરા કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

ગુજરાત ટાઈટન્સ તરફથી ઈનિંગની શરૂઆત કરતા સાઈ સુદર્શને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 248 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે માત્ર 28 બોલમાં અણનમ 53 રન બનાવ્યા હતા. તેને પોતાની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

આ ઈનિંગ દરમિયાન તેને T20 ક્રિકેટમાં પોતાના 3000 રન પણ પૂરા કર્યા હતા. સૌથી ખાસ વાત એ છે કે સાઈ સુદર્શને માત્ર 78 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે તે T20 ઈતિહાસમાં સૌથી ઝડપી 3000 રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન શોન માર્શના નામે હતો, જેને 85 ઈનિંગમાં 3000 રન પૂરા કર્યા હતા.

T20 ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી 3000 રન બનાવનાર બેટ્સમેન

સાઈ સુદર્શન - 78

શોન માર્શ - 85

ડાર્સી શોર્ટ - 86

ડેવોન કોનવે - 86

ક્રિસ ગેઈલ – 87

સુદર્શન 80 થી ઓછા ઈનિંગ્સમાં T20 ક્રિકેટમાં 3000 રન પૂરા કરનાર વર્લ્ડનો પહેલો બેટ્સમેન બન્યો છે. અત્યાર સુધી ફક્ત 5 બેટ્સમેન 90 થી ઓછી ઈનિંગમાં આ આંકડા સુધી પહોંચ્યા છે, પરંતુ 78 ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરવી એ ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

આઈપીએલ 2026 માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં ટોપ પર રહેલા સાઈ સુદર્શનને આ મેચ પહેલા 3000 રન પૂરા કરવા માટે 36 રનની જરૂર હતી. તેને ગુજરાતની ઈનિંગની 18મી ઓવરના બીજા બોલ પર આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી.

તિલક વર્માને છોડ્યો પાછળ

સાઈ સુદર્શને તિલક વર્માને પાછળ છોડીને સૌથી ઝડપી 3,000 T20 રન બનાવનારા ભારતીય બેટ્સમેન બન્યો. તિલક માત્ર 90 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી શક્યો. ગુજરાત ટાઈટન્સ 29 રનથી મેચ હારી ગયું હોવા છતાં સાઈ સુદર્શનની ઐતિહાસિક ઈનિંગે મેચને હંમેશા માટે યાદગાર બનાવી દીધી.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?