IPL 2026માં દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન સંજુ સેમસને માત્ર 52 બોલમાં સદી ફટકારીને ટીમને 212 રનના સ્કોર સુધી પહોંચાડી દીધી છે. આ વિસ્ફોટક ઈનિંગ બાદ સંજુ સેમસને પોતાના 'લકી ચાર્મ' વિશે ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા હતા.

સંજુ સેમસને અણનમ 115 રન ફટકાર્યા

ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સંજુ સેમસને અણનમ 115 રન (15 ચોગ્ગા, 4 છગ્ગા) બનાવીને આ સિઝનનું પ્રથમ શતક નોંધાવ્યું હતું. મેચના વિરામ દરમિયાન રવિ શાસ્ત્રી સાથે વાત કરતા સંજુએ રમુજી અંદાજમાં કહ્યું, ખૂબ સારું લાગી રહ્યું છે. રવિ શાસ્ત્રી સર, તમારો આભાર! તમે મારા માટે લકી પર્સન લાગો છો. મહેરબાની કરીને હવેથી તમે દરેક મેચમાં આવતા રહો.

બેઝિક્સ પર ધ્યાન આપ્યું

પોતાના ખરાબ ફોર્મ અને વાપસી વિશે વાત કરતા સંજુએ જણાવ્યું કે, દેશ માટે રમતી વખતે મળેલી સફળતા પછી IPLની શરૂઆતની મેચોમાં ફેલ જવાથી મનમાં શંકા પેદા થઈ હતી. હું વિચારતો હતો કે મારે વધુ આક્રમક રમવું જોઈએ કે નહીં, પણ મેં મારા બેઝિક્સ પર ટકી રહેવાનું નક્કી કર્યું અને તે કામ કરી ગયું. સંજુએ આયુષ બદૌની સાથે મળીને ટીમને મજબૂત સ્કોર અપાવ્યો હતો.

સંજુનો અનોખો સંયોગ

સંજુ સેમસને આઈપીએલમાં અત્યાર સુધી 4 સદી ફટકારી છે (2017, 2019, 2021 અને 2026). રસપ્રદ વાત એ છે કે, આ ચારેય વખતે તે જે-તે સિઝનમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન રહ્યો છે. આ આંકડો દર્શાવે છે કે, જ્યારે સંજુ પોતાની લયમાં હોય છે, ત્યારે તે વિરોધી ટીમ માટે કેટલો ઘાતક સાબિત થાય છે.


આ પણ વાંચો - IPL 2026 PBKS Vs SRH: પ્રિયાંશ આર્યાની ધૂઆંધાર બેટિંગ, અભિષેક શર્મા કરતા પણ ફાસ્ટ ફટકારી ફિફ્ટી