IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં રનનો વરસાદ કરી દીધો છે. ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સંજુએ માત્ર 52 બોલમાં સદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી છે. આ સાથે જ તેણે ટી20 ક્રિકેટમાં એક મોટો ઈતિહાસ પણ રચી દીધો છે.

સંજુ સેમસનનો ઐતિહાસિક તરખાટ

IPL 2026ની શરૂઆતની ત્રણ મેચોમાં નિષ્ફળ રહ્યા બાદ સંજુ સેમસને દિલ્હી સામે દમદાર વાપસી કરી છે. તેણે 52 બોલમાં 100 રન પૂરા કરવા માટે 14 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. સંજુ આ સિઝનમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સંજુની આ પ્રથમ સદી છે.

ટી20 ક્રિકેટમાં 400 છગ્ગા

આ ઈનિંગ દરમિયાન સંજુ સેમસને ટી20 ફોર્મેટમાં પોતાના 400 છગ્ગા પણ પૂરા કર્યા છે. આ સિદ્ધિ મેળવનાર તે ભારતનો ચોથો બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં રોહિત શર્મા (554), સૂર્યકુમાર યાદવ (442) અને વિરાટ કોહલી (441) બાદ હવે સંજુનું નામ પણ જોડાઈ ગયું છે.

5 વર્ષની લાંબી રાહનો અંત

સંજુ સેમસને IPLમાં પૂરા 5 વર્ષ બાદ સદી ફટકારી છે. તેણે છેલ્લી સદી વર્ષ 2021માં પંજાબ સામે લગાવી હતી. અગાઉ તે 2017 અને 2019માં પણ સદી ફટકારી ચૂક્યો છે. આ સાથે જ સંજુ IPL ઈતિહાસમાં ત્રણ અલગ-અલગ ફ્રેન્ચાઈઝી (દિલ્હી, રાજસ્થાન અને ચેન્નાઈ) માટે સદી ફટકારનાર બીજો બેટ્સમેન બની ગયો છે.


આ પણ વાંચો - IPL 2026 PBKS Vs SRH: પ્રિયાંશ આર્યાની ધૂઆંધાર બેટિંગ, અભિષેક શર્મા કરતા પણ ફાસ્ટ ફટકારી ફિફ્ટી