IPL 2026ના ઉત્સાહ વચ્ચે શિસ્તનો મુદ્દો હવે ચર્ચામાં આવ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સ્ટાર ઓલરાઉન્ડર ટિમ ડેવિડનું મેદાન પર શરમજનક વર્તન મોંઘુ સાબિત થયું. મુંબઈ ઈન્ડિયન્સ સામે છેલ્લા બોલે મળેલી રોમાંચક જીત બાદ ટિમ ડેવિડે એક અભદ્ર ઈશારો કર્યો જેના કારણે IPLએ ઝડપી કાર્યવાહી કરી અને દંડ ફટકાર્યો.


IPL આચાર સંહિતાના લેવલ 1 ભંગ બદલ દોષિત જાહેર થયા બાદ ટિમ ડેવિડને તેની મેચ ફીના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. તેને 2 ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ટિમ ડેવિડના ગુનામાં અશ્લીલ, અપમાનજનક અથવા વાંધાજનક હાવભાવનો સમાવેશ થતો હતો. આ ઘટના રાયપુરમાં મેચ પછી બની હતી, જ્યાં RCBએ મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લા બોલે રોમાંચક વિજય અપાવ્યો હતો.

ટિમ ડેવિડની એક્શન પર મોટી કાર્યવાહી

મેચ પછીના સેલિબ્રેશન દરમિયાન ટિમ ડેવિડે ફેન્સ તરફ વાંધાજનક ઈશારો કર્યો, જેના કારણે આ મામલો મેચ રેફરીના ધ્યાન પર આવ્યો. IPL મેચ રેફરી અમિત શર્માએ તેને દોષી ઠેરવ્યો અને દંડ ફટકાર્યો. પરંતુ ટિમ ડેવિડે પોતાની ભૂલ સ્વીકારી અને મેચ રેફરી દ્વારા લાદવામાં આવેલા દંડનો સ્વીકાર કર્યો. IPL હંમેશા ખેલાડીઓના વર્તન અંગે કડક રહ્યું છે, અને આ કેસમાં પણ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

બીજી વખત સજા ફટકારી

આ પહેલી વાર નથી જ્યારે ટિમ ડેવિડને તેના કાર્યો માટે ભારે દંડ ફટકારવામાં આવ્યો હોય. 2026ની IPL સીઝનમાં આ બીજી વાર છે જ્યારે ટિમ ડેવિડને IPL આચારસંહિતાના ઉલ્લંઘન બદલ BCCI દ્વારા કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. અગાઉ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ દરમિયાન તેને દંડ ફટકારવામાં આવ્યો હતો.

તે મેચમાં ટિમ ડેવિડને તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો અને 1 ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો હતો. તેના પર એમ્પાયરની સૂચનાઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

આઈપીએલ આચારસંહિતાના લેવલ 1 ઉલ્લંઘનનો દોષી સાબિત થયા બાદ બીસીસીઆઈએ તેની સામે આ કાર્યવાહી કરી હતી. સતત બીજી વખત શિસ્તભંગના પગલાંનો સામનો કર્યા પછી, ટિમ ડેવિડનું વર્તન ચર્ચાનો વિષય બની ગયું છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: