IPL 2026માં શનિવારે પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં પંજાબના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા હતા. આ જોઈને સોશિયલ મીડિયા પર ચાહકોમાં અનેક સવાલો ઉઠ્યા હતા. આખરે પંજાબની ટીમે આવું કેમ કર્યું, તે પાછળ એક અત્યંત દુઃખદ કારણ જવાબદાર છે.

ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો

IPLની 17મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમતી વખતે પંજાબ કિંગ્સના તમામ ખેલાડીઓ કાળી પટ્ટી પહેરેલા જોવા મળ્યા હતા. આ નિર્ણય વૃંદાવનમાં થયેલી ભયાનક હોડી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે લેવામાં આવ્યો હતો. પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા દ્વારા પણ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.

શું હતી આ દુર્ઘટના?

શુક્રવારે બપોરે વૃંદાવનમાં યમુના નદીમાં એક હોડી પલટી જવાની દુર્ઘટના બની હતી. આ હોડીમાં લુધિયાણાના આશરે 37 પ્રવાસીઓ સવાર હતા, જેઓ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરથી લગભગ 2 કિમી દૂર આ અકસ્માતનો ભોગ બન્યા હતા. અહેવાલો મુજબ, આ કરૂણ ઘટનામાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 22થી વધુ લોકોને બચાવી લેવાયા છે. NDRF અને સેનાની ટીમો હજુ પણ બચાવ કાર્યમાં લાગેલી છે.

મેચનો અહેવાલ

મેચની વાત કરીએ તો, પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ આક્રમક બેટિંગ કરતા માત્ર 28 બોલમાં 74 રન ફટકાર્યા હતા. ઓપનિંગ જોડીએ 120 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ હેનરિક ક્લાસેન (39 રન) અને ઈશાન કિશનની મદદથી હૈદરાબાદે 200 રનનો આંકડો પાર કર્યો હતો. આ મેચમાં પંજાબની શાનદાર જીત થઈ છે.


આ પણ વાંચો - IPL 2026 PBKS Vs SRH: અભિષેક શર્માની તોફાની બેટિંગ: 18 બોલમાં અડધી સદી અને 74 રનની વિસ્ફોટક ઇનિંગ