T20 વર્લ્ડકપ પહેલા ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની બીજી મેચ 1 ફેબ્રુઆરીના રોજ પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી, જ્યાં ઈંગ્લેન્ડે DLS પદ્ધતિ હેઠળ 6 વિકેટથી જીત મેળવી હતી.
આ જીત સાથે ઈંગ્લેન્ડે સિરીઝમાં 2-0 ની અજેય લીડ મેળવી લીધી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના દિગ્ગજ વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલરે નવો ઈતિહાસ રચ્યો. શ્રીલંકા સામેની બીજી T20 મેચ દરમિયાન તેને એક એવી સિદ્ધિ હાંસલ કરી જે તેના પહેલા કોઈ અન્ય ઈંગ્લેન્ડનો ખેલાડી હાંસલ કરી શક્યો ન હતો.
જોસ બટલરે જેમ્સ એન્ડરસનને છોડ્યો પાછળ
જોસ બટલર માટે આ તેના કરિયરની 402મી ઈન્ટરનેશનલ મેચ હતી, જેના કારણે તે ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ ઈન્ટરનેશનલ મેચ રમવાનો રેકોર્ડ ધરાવે છે. આ પહેલા ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ ઈન્ટરનેશનલ મેચ રમવાનો રેકોર્ડ ભૂતપૂર્વ દિગ્ગજ ઝડપી બોલર જેમ્સ એન્ડરસનના નામે હતો, જેને 401 ઈન્ટરનેશનલ મેચ રમી હતી, અને બટલરે હવે તેને પાછળ છોડી દીધો છે. તે હવે T20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં ચોથા નંબરે છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓ
જોસ બટલર અને જેમ્સ એન્ડરસન પછી ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ ઈન્ટરનેશનલ મેચ રમનાર જો રૂટ ત્રીજા નંબરે છે. તેને ઈંગ્લેન્ડ માટે 384 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ઈયોન મોર્ગન ચોથા નંબરે છે, જેને ઈંગ્લેન્ડ માટે 356 મેચ રમી છે. ભૂતપૂર્વ ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ 344 મેચો સાથે પાંચમા નંબરે છે.
જોસ બટલરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કેવું પ્રદર્શન કર્યું છે?
35 વર્ષના જોસ બટલરના કરિયરની વાત કરીએ તો તેને અત્યાર સુધીમાં 57 ટેસ્ટ મેચ રમી છે. આ સિવાય તેને ઈંગ્લેન્ડ માટે 199 વનડે અને 146 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. બટલરે ટેસ્ટમાં 2907 રન, વનડેમાં 5515 રન અને T20 ઈન્ટરનેશનલ મેચમાં 3925 રન બનાવ્યા છે. હવે તેના નામે 402 ઈન્ટરનેશનલ મેચોમાં 12308 રન છે.
આ પણ વાંચો: T20 WC વોર્મ-અપ મેચનું શેડ્યૂલ જાહેર, જાણો ક્યાં જોઈ શકશો લાઈવ?