એશિયા કપ ટ્રોફી વિવાદ ક્યારે ઉકેલાશે? આ સવાલનો જવાબ આપવો હાલમાં મુશ્કેલ છે, કારણ કે મીડિયા રિપોર્ટ મુજબ BCCIએ મોહસીન નકવીની વિનંતીને નકારી કાઢી છે.
ACC અને PCBના ચેરમેન મોહસીન નકવીએ કહ્યું હતું કે BCCI અથવા ટીમ ઈન્ડિયાનો ખેલાડી દુબઈ અને ACC પ્રમુખ પાસેથી ટ્રોફી લઈ શકે છે. પરંતુ ટીમ ઈન્ડિયાએ પહેલાથી જ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાની ના પાડી દીધી છે.
BCCI આ મુદ્દો ICC બેઠકમાં ઉઠાવશે
મીડિયા રિપોર્ટ મુજબ બીસીસીઆઈના એક સૂત્રએ કે એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન મોહસીન નકવીની જીદને ધ્યાનમાં રાખીને, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ મુદ્દો ICC બેઠકમાં ઉઠાવવાની યોજના બનાવી રહ્યું છે. સૂત્રએ વધુમાં કહ્યું હતું કે ભારતીય બોર્ડ મોહસીન નકવીની સલાહ સ્વીકારશે નહીં. ICCની બેઠક 4-7 નવેમ્બર દરમિયાન દુબઈમાં યોજાવાની છે.
આ પહેલા 30 સપ્ટેમ્બરના રોજ ACCની બેઠક યોજાઈ હતી, જેમાં BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ મોહસીન નકવીના કાર્યોનો સખત વિરોધ કર્યો હતો. રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે એશિયા કપ ટ્રોફી કોઈની અંગત મિલકત નથી અને ટીમ ઈન્ડિયા તેનો હકદાર માલિક છે.
મોહસીન નકવીએ રાખી આ શરત
તાજેતરમાં BCCIએ મોહસીન નકવીને એક ઈમેઈલ મોકલીને વિનંતી કરી હતી કે ટ્રોફી ટીમ ઈન્ડિયાને આપવામાં આવે. ભારતીય બોર્ડના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે જો નકવી જવાબ નહીં આપે તો BCCI આ મામલો ICC સમક્ષ ઉઠાવશે.
મીડિયા રિપોર્ટ મુજબ બીસીસીઆઈની ચેતવણીના જવાબમાં નકવીએ કહ્યું હતું કે તેઓ ટ્રોફી રજૂ કરવા તૈયાર છે, પરંતુ શરત એ હતી કે ટ્રોફી પ્રેઝેન્ટેશન સેરેમની યોજવામાં આવે જેમાં તેઓ વ્યક્તિગત રીતે ભારતીય ટીમને ટ્રોફી રજૂ કરશે. પરંતુ બીસીસીઆઈએ હવે આ માગણીને નકારી કાઢી છે. એશિયા કપ ટ્રોફી હાલમાં દુબઈમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના કાર્યાલયમાં રાખવામાં આવી છે.