ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવું એ કોઈ સરળ કાર્ય નથી. ઘણા ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે દિવસ-રાત મહેનત કરે છે. પરંતુ તીવ્ર સ્પર્ધાને કારણે આ ખેલાડીઓને તક મળતી નથી.
ભારતીય A ટીમ માટે ઘણી વખત રમી ચૂકેલા પ્રિયંક પંચાલે હવે એક મોટો નિર્ણય લીધો છે. તે નેપાળ પ્રીમિયર લીગમાં રમશે. પંચાલે તાજેતરમાં હોંગકોંગમાં સિક્સર્સમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ભારતીય ખેલાડી નેપાળમાં પોતાનું ટેલેન્ટ બતાવશે
પ્રિયાંક પંચાલ એવા ખેલાડીઓમાંથી એક છે જેને ક્યારેય ભારતીય સિનિયર ટીમ માટે રમવાની તક મળી નથી. પરંતુ તેને ઘણી વખત ભારત Aનું પ્રતિનિધિત્વ કર્યું છે. હવે પ્રિયાંક પંચાલ નેપાળ પ્રીમિયર લીગમાં રમતો જોવા મળશે. તેઓ કરનાલી યક્સ તરફથી રમશે. 35 વર્ષનો પ્રિયાંક પંચાલ ભારતના સ્થાનિક ટુર્નામેન્ટમાં સ્ટાર ખેલાડી રહ્યો છે. 2016-17 રણજી ટ્રોફીમાં તેને ગુજરાત માટે રમીને 1,310 રન બનાવ્યા હતા, જેમાં એક ત્રેવડી સદી ફટકારી છે.
પ્રિયાંક પંચાલ ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ રહ્યા છે. પરંતુ આ દરમિયાન તેને ક્યારેય પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નહીં. પ્રિયાંક પંચાલે મે 2025 માં ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. નેપાળ પ્રીમિયર લીગ 17 નવેમ્બરથી શરૂ થવાની છે.
સ્ટાર ખેલાડીના શાનદાર કરિયર પર એક નજર
પ્રિયાંકે 127 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 45.18ની એવરેજથી 8,856 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 29 સદી અને 34 અડધી સદી ફટકારી છે. 97 લિસ્ટ A મેચોમાં તેને 40.80ની સરેરાશથી 3,672 રન બનાવ્યા છે. વધુમાં તેને 59 T20 મેચોમાં 28.71ની એવરેજથી 1,522 રન બનાવ્યા છે.