ન્યુઝીલેન્ડ મહિલા ટીમની કેપ્ટન અને ઓલરાઉન્ડર સોફી ડિવાઈન આ વર્ષના અંતમાં ભારત અને શ્રીલંકામાં થનાર વર્લ્ડકપ બાદ વનડે મેચમાંથી સંન્યાસ લેશે. આ 35 વર્ષની ખેલાડી મહિલા ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાંથી એક છે.
સોફી ડિવાઈન 152 વનડેમાં 31.66ની એવરેજથી અને 8 સદીની મદદથી 3990 રન બનાવ્યા છે. તેને 146 T20 ઈન્ટરનેશનલ મેચમાં એક સદીની સાથે 3431 રન પણ બનાવ્યા છે.
સોફી ડિવાઈને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વનડેમાં 107 વિકેટ અને T20 માં 119 વિકેટ લીધી છે. તેને એક પણ ટેસ્ટ મેચ રમી નથી. ન્યુઝીલેન્ડ ક્રિકેટ દ્વારા મંગળવારે જાહેર કરાયેલા નિવેદનમાં સોફી ડિવાઈને કહ્યું કે 'મને લાગે છે કે મારા માટે આ નિર્ણય કરવાનો યોગ્ય સમય છે. હું પોતાને ભાગ્યશાળી માનું છું કે ન્યુઝીલેન્ડ ક્રિકેટે આ નિર્ણય પર પહોંચવામાં મારી મદદ કરી. આનો અર્થ એ છે કે હું હજુ પણ ન્યુઝીલેન્ડ માટે રમી શકું છું.
વર્લ્ડકપમાં રમતી જોવા મળશે સોફી ડિવાઈન
સોફી ડિવાઈનનું આ નિવેદન ન્યુઝીલેન્ડ ક્રિકેટ દ્વારા 17 સેન્ટ્રલી કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓની જાહેરાત કરવામાં આવે તે પહેલાં આવ્યું છે. કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓની જાહેરાત બુધવારે કરવામાં આવશે. સોફી ડિવાઈન T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે ઉપલબ્ધ રહેશે, પરંતુ તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપવામાં આવશે નહીં. મહિલા ODI વર્લ્ડકપ 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર દરમિયાન ભારત અને શ્રીલંકામાં રમાશે.
ડિવાઈન પહેલા આ દિગ્ગજોએ આ વર્ષે લીધો છે સંન્યાસ
સોફી ડિવાઈને મંગળવારે સંન્યાસની જાહેરાત કરી છે. સોફી ડિવાઈન પહેલા આ વર્ષે ઘણાં દિગ્ગજ ખેલાડીઓ સંન્યાસ લઈ ચૂક્યા છે. સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, હેનરિક ક્લાસેને વનડે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. હાલમાં જ નિકોલસ પૂરને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે.
આ વર્ષની શરુઆતમાં માર્ટિન ગુપ્ટિલે પણ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. એન્જીલો મેથ્યુઝ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી ચૂક્યો છે. આ સિવાય ઘણાં દિગ્ગજ ખેલાડીઓએ આ વર્ષે ક્રિકેટના કોઈને કોઈ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ફેન્સને ચોંકાવી દીધા છે.