પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઘણીવાર ચર્ચામાં રહે છે. ક્યારેક બોર્ડ અચાનક કેપ્ટન બદલી નાખે છે તો ક્યારેક સપોર્ટ સ્ટાફમાં મોટા ફેરફાર કરે છે . પરંતુ આ વખતે મામલો થોડો અલગ છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCB માં એક મોટું કૌભાંડ થયું છે, જેનો ખુલાસો એક નવા રિપોર્ટમાં થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ બોર્ડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે. તમને જણાવી દઈએ કે શું છે મામલો.
કરોડોનું કૌભાંડ આવ્યું સામે
પાકિસ્તાનના ઓડિટર જનરલે PCB માં કરોડો રૂપિયાની નાણાકીય અનિયમિતતાઓ, કોન્ટ્રાક્ટ અને ગેરકાયદેસર નિમણૂકોનો પર્દાફાશ કર્યો છે, જેમાં ઈન્ટરનેશનલ મેચો દરમિયાન સુરક્ષામાં રોકાયેલા પોલીસકર્મીઓના ભોજન માટે 63.39 મિલિયન રૂપિયા એટલે કે લગભગ 6 કરોડ 33 લાખ 90 હજાર રૂપિયાની ચુકવણીનો સમાવેશ થાય છે. આ રિપોર્ટમાં કરાચીના હાઈ પર્ફોર્મન્સ સેન્ટરમાં અંડર-16 વય જૂથના 3 કોચની પણ ગેરકાયદેસર નિમણૂક કરવામાં આવી છે. આ કોચને પગાર તરીકે 5.4 મિલિયન એટલે કે 54 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.
અધિકારીઓને જરૂર કરતાં વધુ ચૂકવણી કરવામાં આવી છે. આ સિવાય મીડિયા ડિરેક્ટરની નિમણૂક પર દર મહિને 9 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે મેચ ફી તરીકે 38 લાખ રૂપિયાની વધારાની ચુકવણી કરવામાં આવી છે. ફેબ્રુઆરી અને જૂન 2024 ની વચ્ચે યૂટિલિટી ચાર્જ, આવાસ ચુકવણી અને POL ના રૂપમાં રાષ્ટ્રપતિને 41.7 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ પેમેન્ટ અનઓથોરાઈઝ્ડ હતી.
ત્રણ વર્ષ PCB માટે ઉથલપાથલભર્યા રહ્યા
ડિસેમ્બર 2022માં PCB ના ચેરમેન રમીઝ રાજાને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. આ પછી બોર્ડને નજમ સેઠીના રૂપમાં નવા ચેરમેન મળ્યા, જેંને ડિસેમ્બર 2022 થી જૂન 2023 સુધી કાર્યભાર સંભાળ્યો. આ પછી ઝાકા અશરફને PCB ના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમને જૂન 2023 થી 2024 સુધી કાર્યભાર સંભાળ્યો. આ પછી મોહસીન નકવી આ પદ પર સેવા આપી રહ્યા છે.