T20 વર્લ્ડકપ 2026 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. પરંતુ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં પાકિસ્તાની અધિકારીઓ ક્રિકેટને લઈને ડ્રામા બંધ કરવાનું નામ નથી લઈ રહ્યા. પાકિસ્તાન વર્લ્ડકપમાં ભાગ લેશે કે નહીં તેને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

પાકિસ્તાને T20 વર્લ્ડકપ 2026માં ભાગ લેવાનો અંતિમ નિર્ણય આગામી સોમવાર સુધી મુલતવી રાખ્યો છે. પાકિસ્તાન હાલમાં બાંગ્લાદેશ સાથે એકતા વ્યક્ત કરી રહ્યું છે, જે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. આ સિવાય પાકિસ્તાન ભારત સામેની તેની મહત્વપૂર્ણ વર્લ્ડકપ મેચનો બોયકોટ કરવાનું વિચારી રહ્યું છે.

વડાપ્રધાનને મળ્યા PCBના ચેરમેન મોહસીન નકવી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીએ 26 જાન્યુઆરીએ વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ તેમને જણાવ્યું હતું કે બોર્ડ 30 જાન્યુઆરી, શુક્રવાર અથવા આગામી સોમવારે એટલે કે 2 ફેબ્રુઆરીએ T20 વર્લ્ડકપમાં ભાગ લેવાને લઈને અંતિમ નિર્ણય લેશે. મોહસીન નકવીએ સોશિયલ મીડિયા પર પુષ્ટિ આપી હતી કે સોમવારે વડાપ્રધાન સાથેની તેમની મુલાકાત દરમિયાન આ મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

મોહસીન નકવીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહી આ વાત

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં મોહસીન નકવીએ લખ્યું છે કે "મારી પ્રધાનમંત્રી સાથે લાંબી મુલાકાત થઈ અને તેમને ICC મુદ્દા પર માહિતી આપી. તેમને અમને બધા વિકલ્પો પર વિચાર કરવા અને તેનો ઉકેલ લાવવાનો નિર્દેશ આપ્યો. આ બેઠકમાં નક્કી થયું કે શુક્રવાર અથવા આવતા સોમવારે અંતિમ નિર્ણય લેવામાં આવશે." મીડિયા રિપોર્ટ મુજબ પ્રધાનમંત્રીએ મોહસીન નકવીને કહ્યું કે પાકિસ્તાને બાંગ્લાદેશને તમામ શક્ય સહાય પૂરી પાડવી જોઈએ, જે તાજેતરમાં 7 ફેબ્રુઆરીથી શરૂ થનારી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે.

બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને આપવામાં આવી તક

PCBના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાનને અનેક વિકલ્પો વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં પાકિસ્તાન વર્લ્ડકપમાં ટીમ ન મોકલે કે ટુર્નામેન્ટમાં ભાગ ન લે પણ 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચનો બોયકોટ કરે. 20 ટીમોની ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશ બહાર થયા બાદ સ્કોટલેન્ડે તેનું સ્થાન લીધું. બાંગ્લાદેશે ભારતમાં સુરક્ષા ચિંતાઓને લઈને તેની મેચ શ્રીલંકા ખસેડવાની માગ કરી હતી, પરંતુ ICCએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે ત્યાં બાંગ્લાદેશ માટે કોઈ ખતરો નથી.

ICC કરી શકે છે કડક કાર્યવાહી

ICCએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો તે બાંગ્લાદેશના સમર્થનમાં T20 વર્લ્ડકપ 2026ને બોયકોટ કરશે તો તેને કડક કાર્યવાહી કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ ICCએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે આમ કરવાથી અન્ય દેશો સાથે દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. પાકિસ્તાનને એશિયા કપ સહિત તમામ ICC ટુર્નામેન્ટમાંથી પણ બહાર કાઢવામાં આવશે. વધુમાં વિદેશી ક્રિકેટરોને પાકિસ્તાન સુપર લીગમાં રમવા માટે NOC આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો: T20 World Cup: સ્કોટલેન્ડે ટીમની કરી જાહેરાત, આ સ્ટાર ખેલાડીને બનાવ્યો કેપ્ટન