લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહેલો પૃથ્વી શો હવે સ્થાનિક ક્રિકેટમાં મુંબઈને બદલે મહારાષ્ટ્ર તરફથી રમતો જોવા મળશે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર ડેબ્યૂ કરનાર પૃથ્વી શોને તેના ખરાબ ફોર્મ અને ફિટનેસને કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો હતો.


સ્થાનિક ક્રિકેટમાં પણ તેનું બેટ શાંત રહ્યું. હવે પૃથ્વી શો આગામી સ્થાનિક સિઝનમાં યોજાનારી ઓલ ઈન્ડિયા બુચી બાબુ ઈન્વિટેશન ટુર્નામેન્ટ માટે મહારાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલી ટીમનો ભાગ છે.

પૃથ્વી શો સાથે ઋતુરાજ ગાયકવાડને પણ મળ્યું સ્થાન

મહારાષ્ટ્રે બુચી બાબુ ટુર્નામેન્ટ માટે પોતાની 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં પૃથ્વી શો સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ખેલાડી ઋતુરાજ ગાયકવાડને પણ સ્થાન મળ્યું છે. પરંતુ ઋતુરાજ ગાયકવાડ અને વિકેટકીપર સૌરભ નવલે બંનેને એક મેચ પછી દુલીપ ટ્રોફી માટે બેંગ્લોરમાં વેસ્ટ ઝોન ટીમમાં જોડાવું પડશે.

મહારાષ્ટ્રે પોતાની ટીમનું નેતૃત્વ અંકિત બાવનેને સોંપ્યું છે, જેમાં મુકેશ ચૌધરી અને રાજવર્ધન હંગરગેકરના નામ પણ સામેલ છે. બુચી બાબુ ટુર્નામેન્ટ 18 ઓગસ્ટથી શરૂ થશે, જેમાં ફાઈનલ મેચ 9 સપ્ટેમ્બરે રમાશે, જ્યારે બધી મેચ ચેન્નાઈમાં યોજાશે.

બુચી બાબુ ટુર્નામેન્ટ 2025 માટે મહારાષ્ટ્ર ટીમ સ્ક્વોડ

અંકિત બાવને (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, પૃથ્વી શો, સિદ્ધેશ વીર, સચિન ધાસ, અર્શિન કુલકર્ણી, હર્ષલ કાટે, સિદ્ધાર્થ મ્હાત્રે, સૌરભ નાવલે, મંદાર ભંડારી, રામકૃષ્ણ ઘોષ, મુકેશ ચૌધરી, પ્રદીપ દાધે, વિક્કી ઓસ્તવાલ, હિતેશ વાલુંજ, પ્રશાંત સોલંકી, રાજવર્ધન હાંગરગેકર.

કુલ 16 ટીમો લેશે ભાગ

આ વખતે બુચી બાબુ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લેશે, જે બધીને ચાર-ચારના ગ્રુપમાં વહેંચવામાં આવી છે. મહારાષ્ટ્રની ટીમને ગ્રુપ-એમાં TNCA પ્રેસિડેન્ટ XI, હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢ સાથે સ્થાન મળ્યું છે. મહારાષ્ટ્રની ટીમ 18 ઓગસ્ટથી રાઉન્ડ 1 માં છત્તીસગઢ સામે પોતાની પહેલી મેચ રમશે. બુચી બાબુ ટુર્નામેન્ટની મેચોનું TNCA ની યુટ્યુબ ચેનલ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.


  • Follow us on: