ઈંગ્લેન્ડ પ્રવાસ પર નિષ્ફળ રહેલા ટીમ ઈન્ડિયાના બેટ્સમેન કરુણ નાયરને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. કરુણ નાયરને તે પ્રવાસ પર સતત તકો મળતી હતી પરંતુ તે ત્યાં ખરાબ રીતે નિષ્ફળ ગયો.
ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ કરુણ નાયર હાલમાં રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં કરુણ નાયરે ફરી એકવાર પોતાના શાનદાર ફોર્મમાં પરત ફર્યો છે અને સતત બીજી રણજી ટ્રોફી મેચમાં સદી ફટકારી છે. તેની સદીના કારણે કર્ણાટક ટીમ કેરળ સામેની મેચમાં સારી સ્થિતિમાં પહોંચી ગઈ છે.
કરુણ નાયરે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં હાંસલ કરી મોટી સિદ્ધિ
1 નવેમ્બરથી મંગલાપુરમના તિરુવનંતપુરમના કેસીએ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી આ એલિટ ગ્રુપ-બી મેચમાં કરુણે પહેલા જ દિવસે શાનદાર સદી ફટકારી. કરુણે 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 160 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી. કરુણ નાયર માટે આ તેની ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 26મી સદી છે.
આ સદીની ઈનિંગ દરમિયાન કરુણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 9 હજાર રન પણ પૂર્ણ કર્યા. કરુણ આ સિદ્ધિ મેળવનાર કર્ણાટકનો છઠ્ઠો બેટ્સમેન બન્યો છે. તેની પહેલા રાહુલ દ્રવિડ, ગુંડપ્પા વિશ્વનાથ, બ્રિજેશ પટેલ, સૈયદ કિરાણી અને રોબિન ઉથપ્પાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી.
કરુણે કર્ણાટકની ઈનિંગનું કર્યું નેતૃત્વ
કરુણે આ પહેલા ચાલુ રણજી ટ્રોફીમાં ગોવા સામે અણનમ 174 રન બનાવ્યા હતા. તેમને સૌરાષ્ટ્ર સામે પણ શાનદાર 73 રન બનાવ્યા હતા. કેરળ સામેની મેચમાં કર્ણાટકની શરૂઆત ખરાબ રહી હતી, જેમાં તેને 13 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. આવી પરિસ્થિતિમાં કરુણ નાયરે ઈનિંગને સ્થિર કરી અને શાનદાર સદી ફટકારી.
તેમને કૃષ્ણન શ્રીજીતના 65 રન સાથે ત્રીજી વિકેટ માટે 123 રનની પાર્ટનરશીપ કરી. ત્યારબાદ કરુણ નાયરે સ્મરણ રવિચંદ્રન સાથે ચોથી વિકેટ માટે શાનદાર પાર્ટનરશીપ કરીને કર્ણાટકનો સ્કોર 300ને પાર પહોંચાડ્યો. પહેલા દિવસની રમતના અંતે કર્ણાટકનો સ્કોર 3 વિકેટે 319 રન હતો. કરુણ નાયર 142 રન અને સ્મરણ રવિચંદ્રન 88 રન પર અણનમ રહ્યા.
કરુણ નાયર 8 વર્ષ પછી ટેસ્ટ ટીમમાં પરત ફર્યો
કરુણ નાયરની વાત કરીએ તો, તે 2025ના ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 8 વર્ષ પછી ભારતની ટેસ્ટ ટીમમાં પરત ફર્યો. પરંતુ તે પ્રવાસ દરમિયાન રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, 4 ટેસ્ટ મેચોમાં 8 ઈનિંગમાં ફક્ત 205 રન બનાવી શક્યો હતો, જેમાં ફક્ત એક અડધી સદીનો સમાવેશ થાય છે. આના કારણે તેને વેસ્ટ ઈન્ડીઝ સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને કરુણ નાયર હવે ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરવા માગે છે. સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝ માટે તેને તક મળે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.