રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ફેન્સ માટે મોટી રાહત છે. કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશનને કર્ણાટક સરકારના ગૃહ વિભાગ તરફથી બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચોનું આયોજન કરવા માટે સત્તાવાર મંજૂરી મળી ગઈ છે.

KSCA ના પ્રમુખ બી.કે. વેંકટેશ પ્રસાદ કર્ણાટકમાં IPLને પરત લાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમને તમામ સુરક્ષા અને વહીવટી ચિંતાઓને દૂર કરવા માટે રાજ્ય સરકાર અને સંબંધિત અધિકારીઓ સાથે ઘણી મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી.

KSCAએ લીધા મોટા પગલાં

આ સંદર્ભમાં બે દિવસ પહેલા જ RCB એ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં AI-આધારિત કેમેરા લગાવવાની જાહેરાત કરી હતી. આ કેમેરા દર્શકોની હિલચાલ અને ભીડ નિયંત્રણ પર વધુ સારી રીતે નજર રાખશે. સ્ટેડિયમની મંજૂરીમાં આ પગલાને એક મુખ્ય પરિબળ માનવામાં આવી રહ્યું છે. પરંતુ આ મંજૂરી ચોક્કસ શરતો અને ગાઈડલાઈન પૂર્ણ થયા પછી જ સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે.

KSCA એ પહેલાથી જ નિષ્ણાત સમીક્ષા સમિતિને એક વિગતવાર પાલન રોડમેપ સબમિટ કરી દીધો છે, જેમાં સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાપન અને કટોકટી પ્રોટોકોલના તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે.

KSCAના ઓફિશિયલ પ્રવક્તા વિનય મૃત્યુંજયએ પુષ્ટિ આપી કે એસોસિએશન સરકાર દ્વારા નિર્ધારિત તમામ શરતોને અત્યંત નિષ્ઠા અને ગંભીરતાથી લાગુ કરશે. KSCAના પ્રમુખ પ્રસાદ આ મંજૂરીની તમામ વિગતો શેર કરવા માટે ટૂંક સમયમાં એક પ્રેસ કોન્ફરન્સ કરે તેવી અપેક્ષા છે.

IPL 2026 પહેલા RCB ફેન્સ માટે સારા સમાચાર

હવે મોટો સવાલ એ છે કે શું RCB IPL 2026માં તેની બધી હોમ મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમશે કે પછી કેટલીક મેચ શહેરની બહાર રમાશે. ફ્રેન્ચાઈઝ આગામી દિવસોમાં આ અંગે સ્પષ્ટતા કરે તેવી અપેક્ષા છે, કારણ કે IPL 2026 ની શરૂઆતને ફક્ત બે મહિના બાકી છે. આ નિર્ણયથી IPL અને ઈન્ટરનેશનલ ક્રિકેટ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પરત ફરવાની આશા મજબૂત થઈ છે, જેના કારણે RCB ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગયા વર્ષે બની હતી આ દુ:ખદ ઘટના

તમને જણાવી દઈએ કે 4 જૂનના રોજ થયેલી દુ:ખદ ઘટના બાદ જેમાં બાળકો સહિત 11 લોકોના મોત થયા હતા, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તમામ ક્રિકેટ પ્રવૃત્તિઓ સ્થગિત કરવામાં આવી હતી. જેના કારણે વિમેન્સ વર્લ્ડકપ મેચોને અન્ય સ્થળોએ ખસેડવાની ફરજ પડી હતી. આ દરમિયાન IPL 2026 માટે RCB ને તેના ઘરેલું મેચો માટે નવી મુંબઈ અને રાયપુરને વૈકલ્પિક સ્થળો તરીકે ધ્યાનમાં લેવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો: Team Indiaની હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે કર્યો મોટો ખુલાસો