ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે સ્વીકાર્યું કે શુભમન ગિલને ભારતની T20 વર્લ્ડકપ 2026 ટીમમાંથી બહાર કરવામાં આવતા તેઓ આશ્ચર્યચકિત થયા હતા. શુભમન ગિલને ન્યુઝીલેન્ડ સામેની આગામી T20 ઈન્ટરનેશનલ સિરીઝમાંથી પણ બહાર કરવામાં આવ્યો છે.
ભારત માટે રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં પરત ફર્યા પછી વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત થયો છતાં, તે બેટથી સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો. તેથી ભારતના વર્તમાન ટેસ્ટ અને ODI કેપ્ટનને આગામી ગ્લોબલ ટુર્નામેન્ટમાં તક મળી ન હતી.
રિકી પોન્ટિંગને વિશ્વાસ ન થયો
બીસીસીઆઈના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા રિકી પોન્ટિંગે કહ્યું કે ગિલને બહાર કરવા પર તેઓ ચોંકી ગયા છે. તેમને 'આઈસીસી રિવ્યૂ' પર કહ્યું કે "મને વિશ્વાસ જ નથી આવતો. મારો મતલબ, હું જાણું છું કે વ્હાઈટ બોલના ક્રિકેટમાં તેમનું તાજેતરનું ફોર્મ સારું રહ્યું નથી.
છેલ્લી વખત મેં તેમને યુકેમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રમતા જોયા હતા, જ્યાં તેમને મેં જેટલા પણ ખેલાડીઓને રમતા જોયા છે તેના કરતાં વધુ સારી રીતે રમ્યા હતા. મને લાગે છે કે પ્રથમ મને આશ્ચર્ય થયું છે, પરંતુ બીજું તે ભારતીય ક્રિકેટની ઊંડાઈ દર્શાવે છે."
શુભમન ગિલનો ફ્લોપ શો
શુભમન ગિલે 2025માં 15 T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી અને 291 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા સામેની તેની છેલ્લી સિરીઝમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, જેમાં તેને 4, 0 અને 28 રન બનાવ્યા હતા. ઈજા અને અન્ય કારણોસર તે છેલ્લી બે મેચ રમી શક્યો ન હતો. શુભમન ગિલને ભારતીય ફેન્સ તરફથી ઘણી ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: IND Vs NZ: મોહમ્મદ શમીને ટીમ ઈન્ડિયા માટે તક ન મળતાં હેડ કોચ ગુસ્સે, કહ્યું- 'તેની સાથે અન્યાય...'