સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની RCB એ UP વોરિયર્સને 9 વિકેટથી હરાવ્યું. સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ UP વોરિયર્સે 143 રન બનાવ્યા.
ડિઆન્ડ્રા અને ડોટિને UP ને 100 રનનો આંકડો પાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી. ત્યારબાદ નાના ટાર્ગેટનો પીછો કરતી વખતે સ્મૃતિ મંધાના અને ગ્રેસ હેરિસે RCB માટે વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું.
સ્મૃતિ મંધાના અને ગ્રેસ હેરિસની મજબૂત બેટિંગ
ગ્રેસ હેરિસ અને સ્મૃતિ મંધાનાએ આરસીબી માટે પહેલી વિકેટ માટે 137 રનની પાર્ટનરશીપ કરી, જેનાથી મેચ એકતરફી બની ગઈ. યુપી વોરિયર્સના બોલર્સ તેમની સામે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. હેરિસે 40 બોલમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગા સહિત 85 રન બનાવ્યા. સ્મૃતિ મંધાનાએ 32 બોલમાં 47 રન બનાવ્યા અને અણનમ રહી. યુપીના બોલરો મેચમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા.
દીપ્તિ શર્મા અને ડિએન્ડ્રા ડોટિનની શાનદાર ઈનિંગ
પહેલા બેટિંગ કરવા મોકલવામાં આવેલા યુપી વોરિયર્સે પાવરપ્લેમાં 36 રનમાં 1 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ યુપીએ 8 બોલમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે ટીમનો સ્કોર નવમી ઓવરમાં સ્કોર 5 વિકેટે 50 રન હતો. ત્યારબાદ ડિએન્ડ્રા ડોટિન અને દીપ્તિ શર્માએ 72 બોલમાં અણનમ 93 રનની પાર્ટનરશીપ કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી.
દીપ્તિએ 35 બોલમાં 45 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા. ડોટિને 37 બોલમાં 40 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા. બંનેએ ડેથ ઓવરમાં આક્રમક બેટિંગ કરી, છેલ્લી 6 ઓવરમાં 67 રન બનાવ્યા. ડોટિને 15મી ઓવરમાં ઓફ સ્પિનર શ્રેયંકા પાટિલ સામે 1 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકાર્યો, જ્યારે દીપ્તિએ 19મી ઓવરમાં નાદિન ડી ક્લાર્ક સામે 1 છગ્ગો ફટકાર્યો.
શ્રેયંકા પાટિલ અને નાદીન ડી ક્લાર્કે 2-2 વિકેટ લીધી
RCBની લોરેન બેલે 4 ઓવરમાં માત્ર 16 રન આપીને હરલીન દેઓલની વિકેટ લીધી. શ્રેયંકાએ મેગ લેનિંગ આવતાની સાથે જ તેને આઉટ કરી દીધી હતી, પરંતુ રિપ્લેમાં જોવા મળ્યું કે અરુંધતી રેડ્ડીએ લો કેચ લેતી વખતે ઘાસને સ્પર્શ કર્યો હતો. સાઉથ આફ્રિકાના ઝડપી બોલર નાદિન ડી ક્લાર્કે કિરણ નવગિરે અને શ્વેતા સેહરાવતને આઉટ કર્યા.
આ પણ વાંચો: Virat Kohli ફરી બનશે નંબર વન બેટ્સમેન, રોહિત શર્માને ICC રેન્કિંગમાં મોટું નુકસાન!