સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે સિરીઝની પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. સાઉથ આફ્રિકન ટીમ દ્વારા બનાવેલા 418 રનના જવાબમાં ઝિમ્બાબ્વેના બેટ્સમેનો પણ જોરદાર લડાઈ લડી રહ્યા છે.


ટેસ્ટના બીજા દિવસે કેશવ મહારાજે એક એવું સ્થાન હાંસલ કર્યું છે જે આજ સુધી કોઈ સાઉથ આફ્રિકાનો ખેલાડી મેળવી શક્યો નથી. કેશવ મહારાજે મેચમાં પહેલી વિકેટ લઈને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ લેનાર પહેલો સાઉથ આફ્રિકાનો સ્પિનર ​​બન્યો છે.

કેશવ મહારાજે હાંસલ કરી મોટી સિદ્ધિ

સાઉથ આફ્રિકાના સ્પિન બોલર કેશવ મહારાજે ઝિમ્બાબ્વે સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ પૂર્ણ કરનાર સાઉથ આફ્રિકા ટીમનો પહેલો સ્પિનર ​​બન્યો છે. તેને ક્રેગ એર્વિનને પેવેલિયન મોકલીને આ સિદ્ધિ હાંસલ કરી. કેશવ મહારાજ સાઉથ આફ્રિકા તરફથી 200 વિકેટ લેનાર 9મો બોલર બન્યો છે. કેશવ મહારાજે 59મી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. તેના ટેસ્ટ કરિયરમાં તેને 11 વખત એક ઈનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે તેને 6 વખત 4 વિકેટ લીધી છે.


ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર લેફ્ટ આર્મ સ્પિનર

રંગના હેરાથ (શ્રીલંકા)- 433

ડેનિયલ વેટોરી (ન્યુઝીલેન્ડ)- 362

રવિન્દ્ર જાડેજા (ભારત)- 324

ડેરેક અંડરવુડ (ઈંગ્લેન્ડ)- 297

બિશન સિંહ બેદી (ભારત)- 266

શાકિબ અલ હસન (બાંગ્લાદેશ) - 246

તૈજુલ ઈસ્લામ (બાંગ્લાદેશ)- 237

કેશવ મહારાજ (સાઉથ આફ્રિકા)- 200

બ્રેવિસ-પ્રિટોરિયસે શાનદાર ઈનિંગ રમી

સાઉથ આફ્રિકાએ પહેલી ઈનિંગમાં 418 રન બનાવ્યા બાદ પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. 19 વર્ષના લુઆન પ્રિટોરિયસે ટીમ માટે શાનદાર બેટિંગ કરી અને 160 બોલમાં 153 રનની યાદગાર ઈનિંગ રમી. પોતાની ઈનિંગ દરમિયાન તેને 11 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. લુઆન પ્રિટોરિયસ ટેસ્ટ ક્રિકેટમાં સાઉથ આફ્રિકા માટે સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. તેને માત્ર 19 વર્ષ અને 93 દિવસની ઉંમરે સદી ફટકારી હતી.

કોર્બિન બોશે પણ નીચલા ક્રમમાં બેટથી ખૂબ ધૂમ મચાવી હતી અને 124 બોલમાં સદી ફટકારી હતી. પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં ડેવાલ્ડ બ્રેવિસે પણ પોતાની ઝડપી બેટિંગથી પ્રભાવિત કરવામાં સફળ રહ્યા અને 41 બોલમાં 51 રન બનાવ્યા.


  • Follow us on: