આજે એટલે કે 24 એપ્રિલના રોજ સચિન તેંડુલકરનો જન્મદિવસ છે. સચિન તેંડુલકરે 15 નવેમ્બર 1989ના રોજ પોતાની પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમી હતી. 24 વર્ષ સુધી વિશ્વ ક્રિકેટ પર રાજ કર્યા બાદ સચિને 14 નવેમ્બર 2013ના રોજ પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ રમી હતી. સચિને વનડેમાં 18,426 અને ટેસ્ટમાં 15,921 રન બનાવ્યા છે. તમામ ફોર્મેટ મળીને સચિનના નામે 100 ઇન્ટરનેશનલ સદી છે. વનડે ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.
1. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 34,357 રન
સચિને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 34,357 રન બનાવ્યા છે. સચિન 24 વર્ષ રમ્યા બાદ આ મુકામ પર પહોંચ્યા છે. હાલના સમયમાં કોઈ બેટ્સમેન આ રેકોર્ડ તોડતો દેખાતો નથી. બીજા નંબર પર વિરાટ કોહલી છે જેણે 28,215 રન બનાવ્યા છે.
2. 200 ટેસ્ટ રમવાનો વર્લ્ડ રેકોર્ડ
સચિને પોતાની કારકિર્દીમાં કુલ 200 ટેસ્ટ મેચ રમી છે, જે અત્યાર સુધીનો વર્લ્ડ રેકોર્ડ છે. હાલનો કોઈ પણ ક્રિકેટર આ રેકોર્ડની આસપાસ પણ નથી.
3. 463 વનડે રમવાનો વર્લ્ડ રેકોર્ડ
સચિને પોતાની વનડે કારકિર્દીમાં સૌથી વધુ 463 મેચ રમી છે. તેમનો વનડે કાર્યકાળ 22 વર્ષ અને 91 દિવસ લાંબો રહ્યો છે.
4. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ 4076 ચોગ્ગા
સચિને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 4076 થી વધુ ચોગ્ગા ફટકાર્યા છે. વનડેમાં 2016, ટેસ્ટમાં 2058 અને ટી20માં 2 ચોગ્ગા સામેલ છે. તેમના પછી કુમાર સંગાકારા (3015 ચોગ્ગા) બીજા ક્રમે છે.
5. સૌથી ઝડપી 15,000 ટેસ્ટ રન
સચિને માત્ર 300 ઇનિંગ્સમાં 15 હજાર ટેસ્ટ રન પૂરા કર્યા છે. કોઈ પણ બેટ્સમેન માટે આ રેકોર્ડ તોડવો એવરેસ્ટ ચઢવા સમાન હશે.
6. એક કેલેન્ડર વર્ષમાં 1894 વનડે રન
વર્ષ 1998માં સચિને 1894 વનડે રન બનાવ્યા હતા. 28 વર્ષથી દુનિયાનો કોઈ પણ બેટ્સમેન આ રેકોર્ડ તોડી શક્યો નથી. તે વર્ષે તેમણે 9 સદી અને 7 અડધી સદી ફટકારી હતી.
7. વનડેમાં સૌથી વધુ 18,426 રન
સચિને 463 વનડેમાં 44.83ની સરેરાશથી 18,426 રન બનાવ્યા છે. આજના સમયમાં જ્યારે વનડે મેચો ઓછી રમાઈ રહી છે, ત્યારે આ રેકોર્ડ તોડવો લગભગ અશક્ય છે.
8. સૌથી લાંબી કારકિર્દી
સચિને ક્રિકેટના મેદાન પર દુનિયામાં સૌથી લાંબી 24 વર્ષની કારકિર્દી વિતાવી છે. તેઓ 1989 થી 2013 સુધી સતત ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સક્રિય રહ્યા હતા.
9. સૌથી વધુ 51 ટેસ્ટ સદી
સચિનના નામે ટેસ્ટમાં 51 સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલ છે. વર્તમાન સમયમાં કોઈ પણ બેટ્સમેન આ રેકોર્ડની નજીક પણ નથી.
10. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સદી
સચિનના નામે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સદી ફટકારવાનો અદ્વિતીય રેકોર્ડ છે. દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી 85 સદી ફટકારી ચૂક્યા છે, પરંતુ 37 વર્ષની ઉંમરે હજુ પણ તેઓ સચિનના રેકોર્ડથી 16 સદી દૂર છે. આ રેકોર્ડ તોડવો વિરાટ માટે પણ સરળ નહીં હોય.
આ પણ વાંચો- વિશ્વાસ નહીં આવે... સચિન તેંડુલકરને પણ કરવામાં આવ્યા હતા રિજેક્ટ! જાણો કેવી રીતે બન્યા ક્રિકેટના ભગવાન