ICC દ્વારા લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. ICC T20I રેન્કિંગમાં નંબર-વન સ્થાન બદલાયું છે, અને પાકિસ્તાનની સ્ટાર સ્પિનરે શાનદાર ફેશનમાં નંબર-વન સ્થાન પાછું મેળવ્યું છે. તેના પ્રભાવશાળી પ્રદર્શનથી તેણે વિશ્વના કેટલાક ફેમસ બોલરોને પાછળ છોડીને ટોપનું સ્થાન મેળવ્યું છે.


પાકિસ્તાનની સ્ટાર સ્પિનર ​​સાદિયા ઈકબાલ ICC રેન્કિંગમાં 2 સ્થાન ઉપર આવીને નંબર 1 T20I મહિલા બોલર બની છે. સાદિયાએ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર એનાબેલ સધરલેન્ડ અને ભારતની સ્ટાર સ્પિનર ​​દીપ્તિ શર્માને પાછળ છોડીને ટોપના સ્થાને પરત ફરી છે. સાઉથ આફ્રિકા સામે તાજેતરમાં રમાયેલી 3 મેચની T20I સિરીઝમાં તેના પ્રભાવશાળી પ્રદર્શન બાદ તેણે આ સિદ્ધિ મેળવી છે.

ICC રેન્કિંગમાં પાકિસ્તાની ખેલાડીઓ ચમક્યા

સાદિયાએ સિરીઝમાં 5 વિકેટ લીધી હતી અને સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી. બેનોનીમાં રમાયેલી અંતિમ મેચમાં 18 રન આપીને 3 વિકેટ લીધી હતી, જેના કારણે તે 2 સ્થાન ઉપર આવીને ફરીથી નંબર-1 બોલર બની ગઈ હતી. સાદિયા અગાઉ 2024ના અંતમાં T20I બોલરો માટે નંબર-1 રેન્કિંગમાં હતી. ગયા મહિને સધરલેન્ડ દ્વારા તેણે પાછળ છોડવામાં આવી હોવા છતાં, સાદિયા હવે ટોપનું સ્થાન પાછું મેળવી ચૂકી છે.

ICC રેન્કિંગમાં પાકિસ્તાન માટે વધુ એક સારા સમાચાર છે. ટીમની અનુભવી કેપ્ટન ફાતિમા સના ઓલરાઉન્ડરો માટે T20I રેન્કિંગમાં 5 સ્થાન ઉપર આવીને છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. ફાતિમા સના બેટ્સમેન માટે T20I રેન્કિંગમાં પણ 31 સ્થાન ઉપર આવીને સંયુક્ત રીતે 28મા સ્થાને પહોંચી ગઈ છે. સાઉથ આફ્રિકા સામેની સિરીઝ-નિર્ણાયક મેચમાં, ફાતિમાએ 30 બોલમાં અણનમ 47 રન બનાવ્યા અને 2 મહત્વપૂર્ણ વિકેટો લીધી, જેનાથી પાકિસ્તાનને જીત મળી.

ભારતીય બોલરની ટોપ-5માં એન્ટ્રી

ભારતીય બોલરોએ પણ ICC રેન્કિંગમાં છલાંગ લગાવી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસની પહેલી T20I મેચ બાદ રેણુકા સિંહ ઠાકુરે ટોપના પાંચમાં સ્થાને છલાંગ લગાવી છે. રેણુકા 6 સ્થાન ઉપર આવીને મહિલા T20I બોલર રેન્કિંગમાં પાંચમા નંબરે પહોંચી ગઈ છે. મહિલા T20I ક્રિકેટમાં આ રેન્કિંગ ફેરફાર આગામી મેચોને વધુ રોમાંચક બનાવશે તે નિશ્ચિત છે.

આ પણ વાંચો: Nepalએ પાકિસ્તાનને છોડ્યું પાછળ, T20 વર્લ્ડકપમાં સર્જાયો મોટો અપસેટ 

  • Follow us on: