ટીમ ઈન્ડિયા ભલે ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની વનડે સિરિઝ 1-2 થી હારી ગઈ હોય, પરંતુ સિડનીમાં રમાયેલી ત્રીજી અને અંતિમ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની બેટિંગે ફેન્સના દિલ જીતી લીધા. આ મેચમાં રોહિત અને કોહલી બંનેના બેટે શાનદાર પ્રદર્શન કર્યું. લાંબા સમય પછી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરતા આ બંને અનુભવી ખેલાડીઓએ શાનદાર ઈનિંગ રમી.


રોહિતે અણનમ 121 રન બનાવ્યા, જ્યારે કોહલીએ 74 રન અણનમ બનાવીને ફોર્મમાં પરત આવી ગયો. પરંતુ આ પ્રભાવશાળી ઈનિંગ છતાં દરેકના મનમાં સવાલ એ છે કે શું રોહિત અને કોહલી 2027ના ODI વર્લ્ડકપમાં રમશે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે હવે આ બાબતે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

સુનીલ ગાવસ્કર માને છે કે રોહિત અને વિરાટે તેમના પ્રદર્શન દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે તેમની પાસે હજુ પણ ODI ફોર્મેટમાં ક્ષમતા છે અને તેઓ ચોક્કસપણે વર્લ્ડકપમાં રમશે.

રોહિત અને કોહલી વિશે ગાવસ્કરે શું કહ્યું?

ઓસ્ટ્રેલિયા ODI સિરિઝના સમાપન પછી ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન કોમેન્ટેટર સુનીલ ગાવસ્કરે રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમને કહ્યું કે રોહિત અને કોહલી ચોક્કસપણે 2027ના વર્લ્ડકપમાં રમશે. આને લઈને સુનીલ ગાવસ્કરે કહ્યું કે "જે ક્ષણે તેઓએ આ પ્રવાસ માટે પોતાને ઉપલબ્ધ કરાવ્યા, તે સ્પષ્ટ થઈ ગયું કે તેઓ 2027ના વર્લ્ડકપમાં રમવા માગે છે." તેમને વધુમાં કહ્યું કે "તે વર્લ્ડકપ સુધી વધુ રન બનાવે કે ન બનાવે, જો તે ફિટ અને ઉપલબ્ધ હોય તો ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત છે. આ ફોર્મ સાથે તમે તેમના નામ સાઉથ આફ્રિકામાં 2027 વર્લ્ડકપ માટે સીધા ટીમમાં લખી શકો છો."

રોહિત અને કોહલીએ 2027 વર્લ્ડકપ માટે કર્યો દાવો

રોહિત અને કોહલી બંને ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે અને હવે ફક્ત ODI ફોર્મેટમાં જ રમે છે. T20 વર્લ્ડકપ જીત્યા પછી બંને દિગ્ગજોએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા તેમને ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી બંને દિગ્ગજો ઓસ્ટ્રેલિયા સિરિઝમાં રમતા જોવા મળ્યા.

એવું માનવામાં આવતું હતું કે રોહિત અને કોહલીનું હવે ODI ટીમમાં સ્થાન રહેશે નહીં અને ઓસ્ટ્રેલિયા સિરિઝ પછી બંને ODIમાંથી નિવૃત્તિ લેશે. પરંતુ રોહિત અને કોહલીએ તેમની શાનદાર બેટિંગથી માત્ર તેમના ટ્રોલર્સ જવાબ આપ્યો નથી, પરંતુ ODI વર્લ્ડકપ 2027 માટે પણ પોતાનો દાવો રજૂ કર્યો છે. રોહિતે ઓસ્ટ્રેલિયન સિરિઝમાં 202 રન બનાવીને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો હતો, જ્યારે વિરાટે અંતિમ મેચમાં અણનમ 74 રન બનાવીને પોતાની ક્ષમતા દર્શાવી હતી.


  • Follow us on: