ભારત અને શ્રીલંકામાં યોજાનારા 2026ના T20 વર્લ્ડકપને હવે થોડા જ દિવસો બાકી છે. પરંતુ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ વિવાદોએ તણાવ વધારી દીધો છે. બાંગ્લાદેશ ટીમની ભારત યાત્રા નહીં કરવાની જાહેરાત હજુ સુધી ઉકેલાઈ નથી અને હવે વિઝાને લઈને એક નવો વિવાદ ઉભો થયો છે.
વર્લ્ડકપ માટે ભારત જઈ રહેલી યુએસએ ટીમના 4 ખેલાડીઓની વિઝા અરજીઓ નકારી કાઢવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ સ્ટાર ફાસ્ટ બોલર અલી ખાન અને બેટ્સમેન શાયન જહાંગીર તેમાં સામેલ છે.
સ્ટાર ખેલાડીઓને ન મળ્યા વિઝા
અમેરિકન ફાસ્ટ બોલર અલી ખાને સોશિયલ મીડિયા પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે તેમને ભારત જવા માટે વિઝા મળ્યા નથી. અલી ખાન ગયા T20 વર્લ્ડકપમાં યુએસ ટીમનો ભાગ હતો. અમેરિકન ક્રિકેટ પત્રકાર પીટર ડેલા પેન્યાએ પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે, તેમને વધુમાં લખ્યું છે કે અલી ખાન ઉપરાંત ત્રણ અન્ય ખેલાડીઓને હજુ સુધી વિઝા મળ્યા નથી. અલી ખાનના સાથી ખેલાડીઓ શાયાન જહાંગીર, મોહમ્મદ મોહસીન અને એહસાન આદિલની વિઝા અરજીઓ નકારી કાઢવામાં આવી છે.
આ બાબતે યુએસએ ક્રિકેટ ટીમ કે ભારત દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ ચારેય ખેલાડીઓમાં એક વાત સામાન્ય છે અને આ જ તેમના વિઝા નકારવાનું કારણ માનવામાં આવે છે. ચારેય ક્રિકેટરો પાકિસ્તાની મૂળના છે અને યુનાઈટેડ સ્ટેટ્સ માટે રમે છે. તેઓ માત્ર પાકિસ્તાની મૂળના નથી, પરંતુ ચારેયનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને થોડા વર્ષો પહેલા જ યુનાઈટેડ સ્ટેટ્સ આવ્યા હતા.
પાકિસ્તાની મૂળના ખેલાડીઓને વિઝા મેળવવામાં મુશ્કેલી
35 વર્ષના ઝડપી બોલર અલી ખાનનો જન્મ પાકિસ્તાની પંજાબ પ્રાંતમાં થયો હતો, જ્યારે શાયન જહાંગીરનો જન્મ કરાચીમાં થયો છે. તે પાકિસ્તાનની અંડર-19 ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે. પંજાબના એહસાન આદિલે પણ યુનાઈટેડ સ્ટેટ્સ જતા પહેલા પાકિસ્તાની ટીમ માટે 3 ટેસ્ટ અને 5 વનડે રમી હતી.
આ પહેલી વાર નથી જ્યારે પાકિસ્તાનમાં જન્મેલા વિદેશી ખેલાડીને ભારતમાં વિઝા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય. આ પહેલા ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સાકિબ મહમૂદ, સ્પિનર શોએબ બશીર અને રેહાન અહેમદને ભારતના પ્રવાસ માટે વિઝા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાને પણ પહેલી વાર અરજી કરતી વખતે વિઝા આપવાની ના પાડવામાં આવી હતી. આ બધા ખેલાડીઓ પાકિસ્તાની મૂળના છે.
7 ફેબ્રુઆરીએ રમશે પહેલી મેચ
પાકિસ્તાનમાંથી થતા આતંકવાદી હુમલાઓ અને તેના પરિણામે તણાવપૂર્ણ સંબંધોને કારણે ભારત સરકારે તાજેતરના વર્ષોમાં પાકિસ્તાની મૂળના વિદેશી નાગરિકો માટે વિઝા માટે વધુ કડક અને તપાસનો અભિગમ અપનાવ્યો છે. આ ખેલાડીઓ પર પણ લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ એવી આશા છે કે યુએસએના ખેલાડીઓને પણ આખરે તેમના વિઝા મળશે. યુએસ ટીમ T20 વર્લ્ડકપમાં ભારત જેવા જ ગ્રુપમાં છે અને 7 ફેબ્રુઆરીએ ટીમો ભારત અને યુએસએ તેમની પહેલી મેચમાં એકબીજાનો સામનો કરશે.
આ પણ વાંચો: IND Vs NZ: ટીમ ઈન્ડિયા સાવધાન! રાજકોટ સ્ટેડિયમ ભારત માટે નથી લકી!