ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ICC T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ મેચ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમોની ટુર્નામેન્ટમાં થોડી ઉતાર-ચઢાવની સફર રહી છે. ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચતા પહેલા એક મેચ હારી ગઈ હતી, જ્યારે ન્યુઝીલેન્ડ 2 મેચ હારી ગયું હતું.
બંને ટીમો વચ્ચે એક સમાનતા એ છે કે તેમને અમદાવાદમાં 1-1 હારનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે આ ફાઈનલ મેચ માટે શક્યતાઓ લગભગ સમાન છે. ટાઈટલ મેચ પહેલા ન્યુઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે, જેમાં ભારતીય ટીમને ખુલ્લેઆમ ચેલેન્જ આપ્યું છે.
જો કેટલાક ફેન્સનું દિલ તૂટી જાય, તો અમને કોઈ વાંધો નથી
ભારત સામેની ફાઈનલ મેચના એક દિવસ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ન્યુઝીલેન્ડના કેપ્ટને ODI વર્લ્ડકપ 2023 ટાઈટલ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ દ્વારા આપવામાં આવેલા નિવેદનને ફરીથી રજૂ કરવાનો પ્રયાસ કર્યો.
મિચેલ સેન્ટનરે કહ્યું કે ભલે તેમની ટીમ આ ફાઈનલ જીતવા માટે મજબૂત દાવેદાર ન માનવામાં આવે, પરંતુ તે નાની વિગતોને ધ્યાનમાં રાખીને પોતાનું પ્રદર્શન સુધારવાનો પ્રયાસ કરશે. જો અમારી જીત કેટલાક ફેન્સના દિલ તોડી નાખે છે, તો અમને તેની સામે કોઈ વાંધો નથી કારણ કે અમે અમારું પહેલું T20 વર્લ્ડકપ ટાઈટલ જીતવા માગીએ છીએ.
આ પિચ બેટિંગ માટે યોગ્ય હોઈ શકે છે
જ્યારે મિચેલ સેન્ટનરને પ્રેસ કોન્ફરન્સમાં ફાઈનલ મેચની પિચ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેને કહ્યું કે તેમને હજુ સુધી વિકેટ જોઈ નથી, કારણ કે તે કવરથી ઢંકાયેલી હતી. પરંતુ એવું અનુમાન કરી શકાય છે કે તે ફ્લેટ હોઈ શકે છે, જેમાં પુષ્કળ રનની અપેક્ષા છે.
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ T20 વર્લ્ડકપના ઈતિહાસમાં ત્રણ વખત ન્યુઝીલેન્ડનો સામનો કરી ચૂકી છે, અને ત્રણેય વખત હારનો સામનો કરવો પડ્યો છે. તેથી ટીમ ઈન્ડિયાને આ રેકોર્ડ બદલવા માટે એક મહત્વપૂર્ણ પડકારનો સામનો કરવો પડશે.
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!