અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો. ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપનો ખિતાબ બચાવનાર પહેલી ટીમ બની અને પહેલીવાર, ઘરઆંગણે T20 વર્લ્ડકપનું ટાઈટલ જીત્યું.
આ પહેલા કોઈપણ ટીમ યજમાનીમાં T20 વર્લ્ડકપ જીતી શકી ન હતી. પરંતુ હવે ટીમ ઈન્ડિયાએ આ સિદ્ધિ હાંસલ કરી છે. ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 255 રન બનાવ્યા. જવાબમાં કિવી ટીમ 19 ઓવરમાં 159 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. T20 વર્લ્ડકપ ફાઈનલમાં રનની દ્રષ્ટિએ આ સૌથી મોટી જીત છે.
ત્રણ ભારતીય બેટ્સમેનોએ અડધી સદી ફટકારી
ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ટીમ ઈન્ડિયાએ અભિષેક શર્મા અને સંજુ સેમસન સાથે શાનદાર શરૂઆત કરી. તેને પ્રથમ વિકેટ માટે 98 રન બનાવ્યા. અભિષેકે 21 બોલમાં 52 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા.
સેમસન સદી ચૂકી ગયો, તેને 46 બોલમાં 89 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. ટીમ ઈન્ડિયા માટે ઈશાન કિશને પણ ધમાકેદાર ઈનિંગ રમી, 25 બોલમાં 54 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. આ મેચમાં સૂર્યકુમાર યાદવનું બેટ સારું પ્રદર્શન કરી શક્યું નહીં, અને ગોલ્ડન ડક પર આઉટ થયો.
તિલક વર્માએ 6 બોલમાં 8 રન બનાવ્યા. શિવમ દુબેએ પણ અંતિમ ઓવરોમાં ઝડપી ગતિએ 8 બોલમાં 26 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. હાર્દિકે પણ 13 બોલમાં 18 રનનું યોગદાન આપ્યું. ન્યુઝીલેન્ડ માટે જેમ્સ નીશમે સૌથી વધુ 3 વિકેટ લીધી.
મોટા ટાર્ગેટના દબાણમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેનનું નિષ્ફળ પ્રદર્શન
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમના બેટ્સમેન ઈનિંગની શરૂઆતથી જ દબાણ હેઠળ જોવા મળ્યા. ટિમ સાઈફર્ટ અને ફિન એલને પ્રથમ વિકેટ માટે ઝડપી 31 રન બનાવ્યા. પરંતુ પ્રથમ વિકેટ પડ્યા બાદ કિવી ટીમનું પતન થયું. ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સાઈફર્ટે સૌથી વધુ 26 બોલમાં 52 રન બનાવ્યા, જેમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. 7 કિવી બેટ્સમેન સિંગલ ડિજિટના સ્કોર પર આઉટ થયા.
ન્યુઝીલેન્ડની અડધી ટીમ માત્ર 72 રન બનાવીને આઉટ થઈ ગઈ. ડેરિલ મિચેલે આ મેચમાં 11 બોલમાં 17 રન બનાવ્યા. ન્યુઝીલેન્ડ તરફથી કેપ્ટન મિચેલ સેન્ટનર બીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતા, તેને 35 બોલમાં 43 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયાની બોલિંગની વાત કરીએ તો જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ લીધી, જ્યારે અક્ષર પટેલે 3 વિકેટ લીધી.
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!