ભારતીય ઘરેલુ ક્રિકેટમાં એક નવી વાર્તા લખાઈ છે. જમ્મુ અને કાશ્મીરે પહેલી વાર રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. જમ્મુ અને કાશ્મીરે સેમિફાઇનલમાં સ્ટાર ટીમથી ભરપૂર બંગાળને હરાવીને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી. જમ્મુ અને કાશ્મીરે ચોથી ઇનિંગમાં છ વિકેટ બાકી રહેતા 126 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો.આ જીતનો ખરો હીરો આકિબ નબી હતો. તેણે મેચમાં કુલ નવ વિકેટ લીધી, જેમાં પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટનો સમાવેશ થાય છે. અબ્દુલ સમદે પણ બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું.
મેચ રોમાંચક રહી
બંગાળની પહેલી ઇનિંગમાં, સુદીપ કુમાર ઘરામીએ 146 રનની શાનદાર ઇનિંગ રમી, જેનાથી ટીમ 328ના સ્પર્ધાત્મક સ્કોર સુધી પહોંચી શકી. ત્યારબાદ મોહમ્મદ શમીએ ભારે તબાહી મચાવી, આઠ વિકેટ લીધી અને બંગાળને 26રનની લીડ અપાવી. જોકે, જમ્મુ અને કાશ્મીરે પણ વળતો હુમલો કર્યો. અબ્દુલ સમદના 82 અને આકિબ નબીના 42 રનની મદદથી ટીમ 300 રનનો આંકડો પાર કરી શકી. 26 રનની લીડ મેળવ્યા બાદ બંગાળ મજબૂત સ્થિતિમાં દેખાતું હતું, પરંતુ બીજા દાવમાં જમ્મુ અને કાશ્મીરના બોલરોએ મેચનું પરિણામ પલટી નાખ્યું. આકિબ નબીએ ચાર વિકેટ લીધી, જ્યારે સુનિલ કુમારે પણ ચાર બેટ્સમેનોને આઉટ કર્યા. બંગાળ ફક્ત 99રનમાં ઓલઆઉટ થઈ ગયું.
