પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને તેની સરકારના વર્લ્ડકપને લઈને રોજ નવા નાટકો જોવા મળે છે. જ્યારથી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને ICC દ્વારા 2026 ના T20 વર્લ્ડકપમાંથી બહાર રાખવામાં આવી છે, ત્યારથી PCB વારંવાર ધમકીઓ આપી રહ્યું છે.
હવે સરકારની મંજૂરી મળ્યા પછી તેને T20 વર્લ્ડકપમાં ભાગ લેવા માટે પાકિસ્તાની ટીમને શ્રીલંકા મોકલી છે, પરંતુ 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચને બોયકોટ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય પાકિસ્તાન સરકારે લીધો હતો.
પાકિસ્તાનને થશે નુકસાન!
પીસીબી દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ તેમનું મૌન સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ સરકારના નિર્ણય સાથે ચાલવા તૈયાર છે, પરંતુ આનો અર્થ એ થઈ શકે છે કે તેમને ICC તરફથી ભારે દંડનો સામનો કરવો પડી શકે છે.
જો પાકિસ્તાની ટીમ ભારત સામેની મેચમાં નહીં રમે, તો તેમના માટે સુપર 8 માટે ક્વોલિફાય થવું પણ મુશ્કેલ બનશે, જેનું સૌથી મોટું કારણ કોલંબોનું હવામાન છે, જ્યાં વરસાદ સૌથી મોટો વિલન બની શકે છે.
પાકિસ્તાનની 2 ગ્રુપ મેચમાં વરસાદની શક્યતા
પાકિસ્તાની ટીમ ICC T20 વર્લ્ડકપ 2026માં કોલંબોમાં તેના ચારેય ગ્રુપ સ્ટેજ મેચ રમશે. તેમની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે અને આગામી મેચ 10 ફેબ્રુઆરીએ યુએસએ સામે રમશે. બંને મેચ દરમિયાન હવામાનને લઈને એક્યુવેધર રિપોર્ટ મુજબ નેધરલેન્ડ્સ સામેની મેચ દરમિયાન વરસાદ પડવાની 64% શક્યતા છે, જેના કારણે મેચ રદ થઈ શકે છે. જોકે, યુએસએ સામેની મેચમાં વરસાદ પડવાની શક્યતા ખૂબ ઓછી છે. તેથી જો પહેલી મેચ રદ્દ થાય છે, તો તે ચોક્કસપણે પાકિસ્તાની ટીમને નુકસાન પહોંચાડશે.
જો પાકિસ્તાની ટીમ ભારત સામેની તેની ત્રીજી મેચને બોયકોટ કરે છે, તો તેના નેટ રન રેટને સૌથી મોટું નુકસાન થશે. 18 ફેબ્રુઆરીએ નામિબિયા સામેની તેમની બાકીની મેચમાં તેમના નેટ રન રેટમાં સુધારો કરવો મુશ્કેલ કાર્ય હશે. પરિણામે 2026ના T20 વર્લ્ડકપમાંથી પાકિસ્તાનનું ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવું લગભગ નિશ્ચિત છે.
જો ટીમ ઈન્ડિયા સામે મેચ નહીં રમાય તો નેટ રન રેટ ખૂબ જ ખરાબ રહેશે
જો પાકિસ્તાની ટીમ 15 ફેબ્રુઆરીએ T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયા સામેની મેચને બોયકોટ કરે છે, તો ICC પ્લેઈંગ કન્ડિશનના કલમ 16.10.7 હેઠળ, પાકિસ્તાન આપમેળે 2 પોઈન્ટ ગુમાવશે અને તેના નેટ રન રેટ પર પ્રતિકૂળ અસર થશે. આનો સીધો અર્થ એ છે કે પાકિસ્તાની ટીમ સાથે એવું વર્તન કરવામાં આવશે કે જાણે તેને પોતાની સંપૂર્ણ 20 ઓવર રમી હોય અને એક પણ રન ન બનાવ્યો હોય. આનાથી બીજી ટીમના નેટ રન રેટ પર કોઈ અસર થશે નહીં, પરંતુ પાકિસ્તાની ટીમના પ્રદર્શન પર ગંભીર અસર પડશે.
આ પણ વાંચો: Englandએ રોમાંચક મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવીને U19 વર્લ્ડકપના ફાઈનલમાં કરી એન્ટ્રી