અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ફેન્સે T20 વર્લ્ડકપના ઈતિહાસની કદાચ સૌથી રોમાંચક મેચ જોઈ. સાઉથ આફ્રિકાને અફઘાનિસ્તાનને હરાવવા માટે 2 સુપર ઓવર લાગી. ટુર્નામેન્ટની 13મી મેચમાં ઉત્સાહ બધી હદ સુધી પહોંચી ગયો.


પહેલી સુપર ઓવરમાં અફઘાનિસ્તાને 17 રન બનાવ્યા. જવાબમાં ટ્રિસ્ટન સ્ટબ્સ અને બ્રેવિસના શાનદાર પ્રદર્શનને કારણે પ્રોટીઝ પણ 17 રન બનાવવામાં સફળ રહ્યા, જેના પરિણામે મેચ ટાઈ થઈ. પરંતુ બીજી સુપર ઓવરમાં ડેવિડ મિલરે વિસ્ફોટક બેટિંગ કરી અને 23 રન બનાવ્યા. પરંતુ અફઘાનિસ્તાનના બેટ્સમેન 24 રનના ટાર્ગેટનો પીછો કરવામાં નિષ્ફળ રહ્યા. ગુરબાઝે સતત 3 છગ્ગા ફટકાર્યા, પરંતુ છેલ્લો બોલ ચૂકી ગયો.

બીજી સુપર ઓવરમાં સાઉથ આફ્રિકા જીત્યું

બીજી સુપર ઓવરમાં સાઉથ આફ્રિકા તરફથી બેટિંગ કરવા માટે ટ્રિસ્ટન સ્ટબ્સ અને ડેવિડ મિલર મેદાનમાં ઉતર્યા. સ્ટબ્સે ઓવરના પહેલા બોલ પર જબરદસ્ત છગ્ગો ફટકાર્યો, જ્યારે મિલર બીજા બોલ પર એક રન ચોરી કરવામાં સફળ રહ્યો.

ડેવિડ મિલરે ત્રીજા બોલ પર 2 રન લીધા, જ્યારે મિલરે ચોથા અને પાંચમાં બોલે સિક્સ ફટકારી. મિલરે ઓવરના છેલ્લા બોલ પર વધુ 2 રન બનાવ્યા. આમ, બીજી સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ સ્કોરબોર્ડ પર 23 રન બનાવ્યા.

24 રનનો પીછો કરવા માટે અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી અને ગુરબાઝ બેટિંગ કરવા આવ્યા. મહારાજના પહેલા બોલ પર નબી એક પણ રન બનાવવામાં નિષ્ફળ ગયો, જ્યારે બીજા બોલ પર તે આઉટ થયો. પરંતુ ગુરબાઝે પછીના ત્રણ બોલ પર સતત ત્રણ છગ્ગા ફટકાર્યા. ઓવરના છેલ્લા બોલ પર ગુરબાઝ બોલને બાઉન્ડ્રીની ઉપર ફટકારવામાં નિષ્ફળ ગયો.

પહેલી સુપર ઓવર પણ થઈ ટાઈ

પહેલી સુપર ઓવરમાં અફઘાનિસ્તાનના અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ​​શાનદાર બેટિંગ કરી, ટીમને 17 રન સુધી પહોંચાડી દીધી. અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ​​ઓવરમાં 1 છગ્ગો અને 2 ચોગ્ગા ફટકાર્યા. જવાબમાં બ્રેવિસે બીજા બોલ પર છગ્ગો ફટકાર્યો, જ્યારે સ્ટબ્સે ચોથા અને અંતિમ બોલ પર એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકારીને સ્કોર બરાબર કરી દીધો.

આ પણ વાંચો: ICCએ ન સ્વીકારી પાકિસ્તાનની કોઈપણ શરત, આપ્યું ફાઈનલ અલ્ટીમેટમ


  • Follow us on: