T20 વર્લ્ડકપ 2026ના ગ્રુપ સ્ટેજ મેચો 19 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે, ત્યારબાદ 20 ફેબ્રુઆરીથી સુપર 8 મેચો શરૂ થશે. ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થનારી તમામ 8 ટીમોના નામો નક્કી થઈ ગયા છે, જેમાં સૌથી તીવ્ર સ્પર્ધા ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં થવાની ધારણા છે.


સુપર 8માં પહોંચેલી ટીમોને 4-4ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે, જેમાં ICCએ પહેલાથી જ નક્કી કરી લીધું છે કે કઈ ટીમ કયા ગ્રુપમાં રહેશે. ભારતના ગ્રુપમાં અન્ય 3 ટીમોએ પણ ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ હારી નથી. તેથી આ ગ્રુપમાં ભાગ લેતી ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધાની અપેક્ષા રાખી શકાય છે. આ દરમિયાન પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સહિત અન્ય ગ્રુપમાં રહેલી 4 ટીમો ગ્રુપ સ્ટેજમાં ઓછામાં ઓછી 1 મેચ હારી ગઈ છે.

ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન, યુએસએ, નામિબિયા અને નેધરલેન્ડ્સને હરાવ્યા

ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમના પ્રદર્શનની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ યુએસએ સામેની પોતાની પહેલી મેચ 29 રનથી જીતી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ નામિબિયા સામેની મેચ 93 રનથી જીતી હતી. પાકિસ્તાન સામેની મેચમાં ભારતે પોતાનો વિજય ક્રમ ચાલુ રાખ્યો હતો, જેમાં 61 રનથી શાનદાર જીત મેળવી. ગ્રુપ સ્ટેજની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાએ નેધરલેન્ડ્સને 17 રનથી હરાવીને ગ્રુપ Aમાં પહેલા સ્થાન મેળવ્યું હતું.

ઝિમ્બાબ્વેએ ઓમાન, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાને હરાવ્યું

ગ્રુપ Bમાં રહેલા ઝિમ્બાબ્વેને T20 વર્લ્ડકપ 2026ની શરૂઆત પહેલા ગંભીરતાથી લેવામાં આવ્યું ન હતું, પરંતુ તેઓએ સુપર 8 માં પોતાનું સ્થાન સુરક્ષિત કરીને અને ગ્રુપ B ટેબલમાં ટોપ પર રહીને બધાને ખોટા સાબિત કર્યા. ઝિમ્બાબ્વેએ ગ્રુપ સ્ટેજની પોતાની પહેલી મેચમાં ઓમાનને 8 વિકેટથી હરાવ્યું, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવીને મોટો અપસેટ સર્જ્યો. ઝિમ્બાબ્વેની આયર્લેન્ડ સામેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જ્યારે શ્રીલંકા સામે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વે 6 વિકેટથી જીત મેળવવામાં સફળ રહી.

વેસ્ટ ઈન્ડીઝે ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, ઈટાલી અને નેપાળ સામે જીત નોંધાવી

2 વાર T20 વર્લ્ડકપ ટ્રોફી જીતી ચૂકેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટુર્નામેન્ટ શરૂ થતાં પહેલાં બહુ સારા ફોર્મમાં ન હતી, પરંતુ ગ્રુપ સ્ટેજમાં તેમને શાનદાર પ્રદર્શન કર્યું અને એકતરફી જીત નોંધાવી. વેસ્ટ ઈન્ડિઝની ટીમે પહેલા સ્કોટલેન્ડ સામેની મેચ 35 રનથી જીતી હતી, ત્યારબાદ તેમને ઈંગ્લેન્ડને 30 રનથી હરાવ્યું હતું, ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે નેપાળને 9 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે તેમને ઈટાલી સામેની મેચ 42 રનથી જીતી હતી અને ગ્રુપ Cમાં 8 પોઈન્ટ સાથે ટોપ પર રહી હતી.

સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ, કેનેડા, અફઘાનિસ્તાન અને યુએઈ સામે જીત નોંધાવી

2024ના T20 વર્લ્ડકપ ફાઈનલમાં ભારત સામે હારી ગયેલા સાઉથ આફ્રિકાએ અત્યાર સુધી ગ્રુપ સ્ટેજમાં અજેય રહેવાનો સિલસિલો જાળવી રાખ્યો છે. આફ્રિકન ટીમે પહેલા ગ્રુપ Dમાં કેનેડાને 57 રનથી હરાવ્યું હતું, ત્યારબાદ અફઘાનિસ્તાન સામે બીજી મેચ ડબલ સુપર ઓવરમાં જીતી હતી. આફ્રિકન ટીમે ન્યુઝીલેન્ડ સામે પોતાની ત્રીજી મેચ રમી હતી અને 7 વિકેટથી જીત મેળવી હતી, જ્યારે ચોથી મેચમાં તેમને UAEને 6 વિકેટથી હરાવ્યું હતું.

આ પણ વાંચો: Nepalએ પાકિસ્તાનને છોડ્યું પાછળ, T20 વર્લ્ડકપમાં સર્જાયો મોટો અપસેટ


  • Follow us on: