ભારત અને યુએસએ વચ્ચે T20 વર્લ્ડકપ 2026ની ત્રીજી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ. આ મેચમાં ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી અને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 161 રનનો સ્કોર બનાવ્યો.
આ મેચમાં એક સમયે ભારતીય ટીમે 77 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક છેડેથી ઈનિંગ સંભાળવાની સાથે 49 બોલમાં અણનમ 84 રનની શાનદાર ઈનિંગ રમી અને આ મેચમાં ટીમને મજબૂચ સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. સૂર્યકુમારે એક ખાસ બાબતમાં વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો.
સૂર્યકુમાર યાદવ રોહિતનો રેકોર્ડ તોડવામાં માત્ર થોડા રનથી ચૂક્યો
રોહિત શર્માના નામે T20 વર્લ્ડકપમાં ભારતીય કેપ્ટન દ્વારા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. તેને 2024 T20 વર્લ્ડકપમાં ગ્રાસ આઈલેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે 92 રન બનાવ્યા હતા. પહેલી વખત T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન તરીકે રમી રહેલા સૂર્યકુમાર યાદવ હવે આ લિસ્ટમાં બીજા સ્થાને પહોંચી ગયા છે. તેને વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે, જે અગાઉ લિસ્ટમાં બીજા સ્થાને હતા. વિરાટ કોહલીએ 2021 T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામેની મેચમાં 57 રન બનાવ્યા હતા.
T20 વર્લ્ડકપ એક જ મેચમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય કેપ્ટન
રોહિત શર્મા - 92 રન વિ ઓસ્ટ્રેલિયા (2024)
સૂર્યકુમાર યાદવ - 84 રન વિ યુએસએ (2026)
વિરાટ કોહલી - 57 રન વિ પાકિસ્તાન (2021)
એમએસ ધોની - 45 રન વિ સાઉથ આફ્રિકા (2007)
સૂર્યકુમાર યાદવે બાબર આઝમને પણ છોડ્યો પાછળ
સૂર્યકુમાર યાદવે યુએસએ સામે અણનમ 84 રન બનાવીને બાબર આઝમને પાછળ છોડી દીધો. કેપ્ટન તરીકે T20 વર્લ્ડકપમાં તેના ડેબ્યૂમાં આ કોઈપણ ખેલાડીનો બીજો સૌથી વધુ સ્કોર છે. ક્રિસ ગેલ 2009ના વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે 88 રન બનાવીને લિસ્ટમાં ટોપ પર છે. સૂર્યકુમાર યાદવ હવે લિસ્ટમાં બીજા નંબરે છે, જ્યારે બાબર આઝમ ત્રીજા નંબરે છે.
T20 વર્લ્ડકપમાં કેપ્ટન તરીકે પોતાની ડેબ્યૂ મેચમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી
ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડીઝ) - 88 રન વિ ઓસ્ટ્રેલિયા (2009)
સૂર્યકુમાર યાદવ (ભારત) - 84 રન વિ યુએસએ (2026)
બાબર આઝમ (પાકિસ્તાન) – 68 રન વિ ભારત (2021)
મહેલા જયવર્ધને (શ્રીલંકા) – 65 રન વિ કેન્યા (2007)
મોહમ્મદ અશરફુલ (બાંગ્લાદેશ) – 61 રન વિ વેસ્ટ ઈન્ડીઝ (2007)
આ પણ વાંચો: ICC સામે ઝૂક્યું પાકિસ્તાન, ભારત સાથે T20 વર્લ્ડકપ મેચને લઈને બદલ્યું વલણ, PCB વાતચીત માટે થયું સંમત