ICC મેન્સ T20 વર્લ્ડકપ 2026ના પ્રસારણ અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. ICCએ ટુર્નામેન્ટ માટે તમામ પ્રસારણ વિગતો જાહેર કરી છે. આ મેગા ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ, 2026 દરમિયાન રમાશે, જેમાં 20 ટીમો કુલ 55 મેચોમાં ભાગ લેશે.
ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે આ વર્લ્ડકપનું આયોજન કરશે. વિશ્વભરના ક્રિકેટ ફેન્સ ટીવી, ડિજિટલ પ્લેટફોર્મ અને રેડિયો દ્વારા આ ટુર્નામેન્ટનો આનંદ માણી શકશે.
ભારતમાં ટીવી પર T20 વર્લ્ડકપ ક્યાં જોઈ શકાય છે?
ભારતમાં T20 વર્લ્ડ કપ 2026નું જિયોહોટસ્ટાર દ્વારા લાઈવ પ્રસારણ કરવામાં આવશે. ટીવી પર ફેન્સ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર બધી મેચો લાઈવ જોઈ શકશે. ડિજિટલ પ્લેટફોર્મ પર મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ થશે. આનો અર્થ એ થયો કે ભારતમાં ગમે ત્યાં બેઠેલા ક્રિકેટ ફેન્સ ટીવી, લેપટોપ અને મોબાઈલ ફોન પર વર્લ્ડકપ મેચોનો આનંદ માણી શકશે.
ICCએ તમામ ભારતીય ક્રિકેટ ફેન્સનું ખાસ ધ્યાન રાખ્યું છે. આ જ કારણ છે કે વર્લ્ડકપ મેચો દરમિયાન કોમેન્ટ્રી ઘણી પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે.
દરેક મેચની કોમેન્ટરી 5 ભાષાઓમાં આવશે
ભારતમાં દરેક મેચ 5 ભાષાઓમાં બતાવવામાં આવશે. આમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડનો સમાવેશ થાય છે. જિયોહોટસ્ટાર બંગાળી, ભોજપુરી અને હરિયાણવી જેવી પ્રાદેશિક ભાષાઓમાં કોમેન્ટ્રી પણ આપશે. સેમીફાઈનલ અને ફાઈનલ સહિત ટીમ ઈન્ડિયાની બધી મેચો જિયોહોટસ્ટાર પર મરાઠી અને ભારતીય સાંકેતિક ભાષામાં ઉપલબ્ધ થશે, જેનાથી વધુ પ્રેક્ષકો ટુર્નામેન્ટ સાથે જોડાઈ શકશે.
સ્ટાર સ્પોર્ટ્સ શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને માલદીવમાં પણ ટુર્નામેન્ટનું પ્રસારણ કરશે, જ્યાં તેના સ્થાનિક વિતરણ ભાગીદારો દ્વારા લાઈવ કવરેજ ઉપલબ્ધ થશે. પ્રથમ વખત, ICC પાકિસ્તાનની મેચોનું ઉર્દૂ કોમેન્ટ્રી સાથે પ્રસારણ કરશે. T20 વર્લ્ડકપ દરમિયાન, PTV હોમ, Myco, Tapmad, Tamasha અને Ary Zap પર ઉર્દૂ કોમેન્ટ્રી ઉપલબ્ધ થશે.
ઘણા સિનેમાઘરોમાં પસંદગીની મેચોનું લાઈવ સ્ક્રીનિંગ કરાશે
મોબાઈલ યુઝર્સ માટે જિયોહોટસ્ટાર ફરી એકવાર વર્ટિકલ લાઈવ ફીડ લાવશે, જે અંગ્રેજી અને હિન્દી બંનેમાં ઉપલબ્ધ છે. દર્શકો 360-ડિગ્રી વ્યૂ અને મલ્ટી-કેમ સુવિધાઓનો પણ આનંદ માણી શકશે, જેનાથી તેઓ સ્ટમ્પ કેમ, ફીલ્ડ વ્યૂ, હીરો કેમ અને મલ્ટી-વ્યૂ સહિત વિવિધ ખૂણાઓથી મેચ લાઈવ જોઈ શકશે. વધુમાં, PVR-INOX સાથે ભાગીદારીમાં દેશભરના ઘણા સિનેમાઘરોમાં પસંદગીની મેચોનું લાઈવ સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે.
વિશ્વભરમાં અંગ્રેજી વર્લ્ડ-ફીડ ઓડિયો કોમેન્ટ્રી ઉપલબ્ધ થશે
ટીવી અને ડિજિટલ સિવાય રેડિયો સાંભળતા લોકો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ICC મોબાઈલ એપ પર વિશ્વભરમાં અંગ્રેજી વર્લ્ડ-ફીડ ઓડિયો કોમેન્ટ્રી ઉપલબ્ધ થશે. ભારતમાં ક્રિકેટ ફેન્સ ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) પર T20 વર્લ્ડકપ મેચોની લાઈવ હિન્દી કોમેન્ટ્રી સાંભળી શકશે.
આ પણ વાંચો: T20 WC 2026: ભારત A ટીમ રમશે બીજી વોર્મઅપ મેચ, જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ













