બાંગ્લાદેશ ક્રિકેટમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત કેટલાક ફેરફારો જોવા મળી રહ્યા છે. આ દરમિયાન બાંગ્લાદેશ બોર્ડે એક મોટો નિર્ણય લીધો અને 7 એપ્રિલે ભૂતપૂર્વ ક્રિકેટર અમીનુલ ઈસ્લામને બીસીબી પ્રમુખ પદ પરથી હટાવી દીધા.


બોર્ડે હવે ભૂતપૂર્વ ક્રિકેટર તમિમ ઈકબાલને નવા વચગાળાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. વાસ્તવમાં બોર્ડના ઘણા ડિરેક્ટરોએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ અમીનુલ ઈસ્લામ બુલબુલ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. અમીનુલ પર મનમાનીથી કામ કરવાનો આરોપ હતો.

તમીમ ઈકબાલ BCBના વચગાળાના પ્રમુખ તરીકે નિયુક્ત

મીડિયા રિપોર્ટ મુજબ અમીનુલ ઈસ્લામ બુલબુલને બીસીબીના પ્રમુખ પદેથી દૂર કરવામાં આવ્યા છે અને આગામી પ્રમુખ માટે ચૂંટણી ન થાય ત્યાં સુધી બોર્ડના કામકાજની દેખરેખ માટે એક વચગાળાની વ્યવસ્થા કરવામાં આવી છે. નવી રચાયેલી 11 સભ્યોની એડ-હોક સમિતિ બોર્ડના કામકાજનું સંચાલન કરશે, અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય કેપ્ટન તમિમ ઈકબાલને આ પેનલના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

બાંગ્લાદેશ ક્રિકેટે હમણાં જ T20 વર્લ્ડકપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું

તમને જણાવી દઈએ કે અમીનુલના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે ભારતમાં 2026 ના T20 વર્લ્ડકપમાંથી ખસી ગઈ હતી. આ બાબતથી ઘણો વિવાદ થયો હતો, જેને અમીનુલ અસરકારક રીતે સંભાળવામાં નિષ્ફળ ગયો હતો.

તાજેતરમાં બાંગ્લાદેશ બોર્ડના 6થી વધુ ડિરેક્ટરોએ રાજીનામું આપ્યું હતું. તેના જવાબમાં તારિક રહેમાનની આગેવાની હેઠળની નવી સરકારે આ મામલાની સ્વતંત્ર તપાસનો આદેશ આપ્યો અને આગામી પ્રમુખ માટે ચૂંટણીઓ યોજવાની ભલામણ કરી.

આસિફ નઝરુલે અમીનુલ બુલબુલ પર દબાણ બનાવ્યું

સૂત્રોના જણાવ્યા મુજબ બુલબુલને હટાવવાનું મુખ્ય કારણ T20 વર્લ્ડકપની આસપાસના વિવાદ હતો. તે સમયે વચગાળાની સરકારના સલાહકાર આસિફ નજરુલે ભૂતપૂર્વ કેપ્ટન પર નોંધપાત્ર દબાણ કર્યું હતું અને રાષ્ટ્રીય ટીમને ટુર્નામેન્ટ માટે ભારત જતા અટકાવી હતી. નવી સમિતિની રચના પછી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડમાં શું ફેરફારો થશે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો: GT Vs RR: શુભમન ગિલ રાજસ્થાન સામેની મેચમાંથી કેમ થયો બહાર? રાશિદ ખાને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: