અંડર-19 વર્લ્ડકપના સુપર 6 તબક્કાની અંતિમ મેચમાં ભારતે પાકિસ્તાનને 58 રનથી હરાવીને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે પાકિસ્તાનને 253 રનનો ટાર્ગેટ આપ્યો. સેમીફાઈનલમાં ક્વોલિફાય થવા માટે પાકિસ્તાનને 33.3 ઓવરમાં આ ટાર્ગેટ હાંસલ કરવાનો હતો.


પરંતુ પાકિસ્તાન આમ કરવામાં નિષ્ફળ ગયું અને આખરે ટાર્ગેટથી ઘણું દૂર રહી ગયું. આ જીત સાથે ભારત સેમીફાઈનલમાં પ્રવેશ્યું. પાકિસ્તાનની ટીમ આ મેચમાં ફક્ત 194 રન જ બનાવી શકી.

ભારત તરફથી વેદાંત ત્રિવેદીએ ફટકારી અડધી સદી

મેચની વાત કરીએ તો પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં સારી શરૂઆત કરી હતી, ઓપનર એરોન જ્યોર્જ અને વૈભવ સૂર્યવંશીએ પહેલી વિકેટ માટે 47 રનની પાર્ટનરશીપ કરી. વૈભવ 30 રન બનાવીને આઉટ થયો. ત્રીજા નંબર પર બેટિંગ કરી રહેલા કેપ્ટન આયુષ મ્હાત્રેની આ મેચમાં શરૂઆત ખરાબ રહી, તે 2 બોલમાં રન કર્યા વગર આઉટ થયો. 


ટીમ ઈન્ડિયાને 47 રનના સ્કોર પર સતત 3 ઝટકાનો સામનો કરવો પડ્યો. આ પછી મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ ભારતીય ઈનિંગને સ્થિર કરી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની એકમાત્ર અડધી સદી વેદાંત ત્રિવેદીએ બનાવી હતી, જેને 98 બોલમાં 68 રન બનાવ્યા હતા. તેના સિવાય આરએસ અંબરીસે 29 રન, કનિષ્ક ચૌહાણએ 35 રન અને ખિલન પટેલે 21 રનનું યોગદાન આપ્યું.

ટીમ ઈન્ડિયાની બોલિંગ સામે પાકિસ્તાનના બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારી લીધી

ટાર્ગેટનો પીછો કરતી વખતે પાકિસ્તાનને 23 રન પર પહેલો ઝટકો લાગ્યો. સમીર મિન્હાસ, જેની પાસેથી આ મેચમાં સારું પ્રદર્શન કરવાની અપેક્ષા હતી, તે નિષ્ફળ ગયો અને 11 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો. વિકેટકીપર-બેટ્સમેન હમઝા ઝહૂરે 42 અને ઉસ્માન ખાને 66 રન બનાવ્યા, પરંતુ તેઓ ટીમને ટોપના 4માં લઈ જવામાં નિષ્ફળ ગયા. આ 2 આઉટ થયા પછી પાકિસ્તાનના બેટ્સમેનોને ભારતીય સ્પિનરો સામે રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો.

આ મેચમાં ઘણા પાકિસ્તાની બેટ્સમેન 2 આંકડા સુધી પહોંચી શક્યા નહીં. ટીમ ઈન્ડિયાના બોલરોએ આ મેચમાં સારું પ્રદર્શન કર્યું, ખાસ કરીને કેપ્ટન આયુષ મ્હાત્રે, જેને ત્રણ વિકેટ લીધી. ખિલન પટેલે પણ 3 વિકેટ લીધી. પાકિસ્તાન આખરે 46.2 ઓવરમાં 194 રનમાં ઓલઆઉટ થઈ ગયું.

 આ પણ વાંચો: Vaibhav Suryavanshiએ શુભમન ગિલને આ મામલે પાછળ છોડીને હાંસલ કરી એક મહાન સિદ્ધિ


  • Follow us on: