આઈસીસી અંડર-19 વર્લ્ડ કપની આગામી આવૃત્તિ 2026માં રમાશે. આ ટુર્નામેન્ટ માટે તમામ 16 ટીમોના નામ ફાઈનલ થઈ ગયા છે. અમેરિકા હવે આ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થનારી છેલ્લી ટીમ બની ગઈ છે.
50 ઓવરના ફોર્મેટમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં 16 ટીમો પોતાનો જાદુ બતાવશે. ઝિમ્બાબ્વે અને નામિબિયા આ ટુર્નામેન્ટનું આયોજન એકસાથે કરવા જઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં 11 દેશોને સીધી એન્ટ્રી મળી છે.
વર્લ્ડકપ 2026 માટે બધી ટીમો ફાઈનલ
ગયા સિઝનમાં યજમાન ટીમ ઝિમ્બાબ્વે ટોપ 10માં હતી. જેના કારણે તેને પણ સીધી એન્ટ્રી મળી હતી. સીધી પ્રવેશ મેળવનાર અન્ય ટીમોમાં ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝનો સમાવેશ થાય છે.
અન્ય 5 સ્થાનો માટે ક્વોલિફાઈંગ ઈવેન્ટ્સ રમાઈ હતી. તાન્ઝાનિયાની ટીમે આફ્રિકન ક્વોલિફાયરમાં ક્વોલિફાય કર્યું છે. તાન્ઝાનિયાની ટીમે સહ-યજમાન નામિબિયાને પણ હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધી છે. સંપૂર્ણ દેશ ન હોવાને કારણે નામિબિયાની ટીમ યજમાન હોવા છતાં પણ સીધી પ્રવેશ મેળવી શકી નથી.
આ દેશોએ ટુર્નામેન્ટમાં કરી એન્ટ્રી
અફઘાનિસ્તાનની ટીમ એશિયામાંથી આ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ છે. નેપાળની ટીમ નેટ રન-રેટને કારણે આ રેસમાંથી બહાર થઈ ગઈ હતી. જાપાનની ટીમે પૂર્વ એશિયા-પેસિફિક ક્વોલિફાયર મેચ જીતીને ટુર્નામેન્ટમાં પ્રવેશ કર્યો છે. સ્કોટલેન્ડની ટીમ યુરોપમાંથી ક્વોલિફાય થઈ છે. અમેરિકા છેલ્લી ટીમ તરીકે પ્રવેશ્યું છે. હવે આ 16 ટીમોને 4-4 ના ગ્રુપમાં વહેંચવામાં આવશે. પરંતું ICC એ હજુ સુધી આ અંગે કંઈ જાહેર કર્યું નથી.