ભારતના 14 વર્ષના વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ બાંગ્લાદેશ સામેની ICC અંડર-19 વર્લ્ડકપ 2026ની મેચમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. 17 જાન્યુઆરીએ બુલાવાયોમાં રમાયેલી મેચમાં વૈભવે માત્ર 67 બોલમાં 72 રનની શાનદાર ઈનિંગ રમી, જેમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ છે.
બાબર આઝમને છોડ્યો પાછળ
પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા વૈભવે ઈનિંગની શરૂઆતથી જ આક્રમક અભિગમ અપનાવ્યો અને માત્ર 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આમ વૈભવ સૂર્યવંશીએ મેન્સ અંડર-19 વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી નાની ઉંમરે અડધી સદી ફટકારનાર બેટ્સમેનનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
વૈભવ સૂર્યવંશીએ 14 વર્ષ અને 296 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી. આ પહેલા આ રેકોર્ડ અફઘાનિસ્તાનના શાહિદુલ્લાહ કમાલના નામે હતો, જેને વર્ષ 2014માં વેસ્ટ ઈન્ડિઝ સામે 15 વર્ષ અને 19 દિવસની ઉંમરે અડધી સદી ફટકારી હતી. વૈભવ સૂર્યવંશીની આ સિદ્ધિથી હવે પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ આ લિસ્ટમાં ત્રીજા સ્થાને ધકેલાઈ ગયો છે. તેને વર્ષ 2010માં વેસ્ટ ઈન્ડિઝ સામે 15 વર્ષ અને 92 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી.
ICC મેન્સ U19 વર્લ્ડકપમાં 50+નો સ્કોર કરનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી
14 વર્ષ 296 દિવસ - વૈભવ સૂર્યવંશી (IND19 vs BAN19), બુલાવાયો, 2026
15 વર્ષ 19 દિવસ - શાહિદુલ્લા કમાલ (AFG19) vs WI19), દુબઈ (ICCA 2), 2014
15 વર્ષ 92 દિવસ - બાબર આઝમ (PAK19 vs WI19), પામર્સ્ટન નોર્થ, 2010
15 વર્ષ 125 દિવસ - પરવેઝ મલિકઝાઈ (AFG19 vs AFG19), કોક્સ બજાર, 2016
15 વર્ષ 132 દિવસ - શરદ વેસાવકર (NEP19 vs ENG19), ચટ્ટોગ્રામ, 2004
વૈભવ સૂર્યવંશીએ બનાવ્યો વધુ એક રેકોર્ડ
આ મેચ સાથે વૈભવ સૂર્યવંશીએ વધુ એક મહત્વપૂર્ણ રેકોર્ડ બનાવ્યો. યુવા ODI ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે તેને વિરાટ કોહલીને પાછળ છોડી દીધો. વૈભવે માત્ર 20 યુવા ODI મેચોમાં 1,047 રન બનાવ્યા છે, જ્યારે વિરાટ કોહલીએ 28 મેચોમાં 978 રન બનાવ્યા છે. વિજય ઝોલ ભારતીય ખેલાડીઓની આ લિસ્ટમાં ટોપ પર છે, તેને 36 મેચોમાં 1,404 રન બનાવ્યા છે. આ રેકોર્ડમાં વર્લ્ડમાં સૌથી ટોપ પર બાંગ્લાદેશનો નઝમુલ હુસૈન શાંતો છે, જેને 1,820 રન બનાવ્યા છે.
આ પણ વાંચો: Team Indiaની હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે કર્યો મોટો ખુલાસો