જ્યારે પણ ભારતનો 14 વર્ષનો બેટ્સમેન વૈભવ સૂર્યવંશી મેદાન પર ઉતરે છે, ત્યારે તેની નજરમાં હંમેશા કોઈને કોઈ રેકોર્ડ હોય છે. વૈભવ હવે 15 જાન્યુઆરીથી શરૂ થનારા અંડર-19 વર્લ્ડકપમાં રમતો જોવા મળશે. આ વર્લ્ડકપ ઝિમ્બાબ્વે અને નામિબિયાની યજમાની હેઠળ રમાશે.
જ્યારે ભારત આ ટુર્નામેન્ટમાં રમશે, ત્યારે બધાની નજર ફરી એકવાર વૈભવ સૂર્યવંશી પર રહેશે. આગામી ICC ટુર્નામેન્ટમાં વૈભવ સૂર્યવંશીની નજરમાં બે મોટા રેકોર્ડ હશે. તેની પાસે શિખર ધવન અને સાઉથ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસને પાછળ છોડી દેવાની તક હશે.
ડેવાલ્ડ બ્રેવિસનો મોટો રેકોર્ડ તોડી શકે છે વૈભવ સૂર્યવંશી
બિહારનો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. તે ઓપનર તરીકે ઈનિંગની શરૂઆત કરે છે અને શરૂઆતથી જ ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકારે છે. તે તેના મોટાભાગના રન બાઉન્ડ્રી દ્વારા બનાવે છે. જો તે આગામી અંડર-19 વર્લ્ડકપમાં 19 છગ્ગા ફટકારે છે, તો તે ડેવાલ્ડ બ્રેવિસને પાછળ છોડીને વર્લ્ડકપના એક જ સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની જશે. હાલમાં બ્રેવિસ અંડર-19 વર્લ્ડકપના એક જ સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. તેને 2022 અંડર-19 વર્લ્ડકપમાં 18 છગ્ગા ફટકાર્યા હતા.
વૈભવ સૂર્યવંશી શિખર ધવનનો તોડશે રેકોર્ડ
શિખર ધવન હાલમાં અંડર-19 વર્લ્ડકપના એક જ એડિશનમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટનો રેકોર્ડ ધરાવે છે. ધવને 2004ના અંડર-19 વર્લ્ડકપમાં 93.51ના સ્ટ્રાઈક રેટથી 505 રન બનાવ્યા હતા. આ ટુર્નામેન્ટની એક જ સિઝનમાં કોઈપણ ખેલાડી દ્વારા સૌથી વધુ સ્ટ્રાઈક રેટ છે. વૈભવનો સ્ટ્રાઈક રેટ લગભગ બધી મેચોમાં 100 થી વધુ છે. તેથી વૈભવ આગામી અંડર-19 વર્લ્ડકપમાં શિખર ધવનનો રેકોર્ડ તોડી શકે છે.
શાનદાર ફોર્મમાં છે વૈભવ સૂર્યવંશી
વૈભવ સૂર્યવંશી અગાઉ સાઉથ આફ્રિકા સામેની યુથ વનડે સિરીઝમાં રમતો જોવા મળ્યો હતો. વૈભવે આ સિરીઝમાં પણ શાનદાર બેટિંગ કરી હતી. તેને સિરીઝની અંતિમ મેચમાં 127 રન બનાવ્યા હતા. સ્કોટલેન્ડ સામેની વોર્મ-અપ મેચમાં તેને 50 બોલમાં 96 રન બનાવ્યા હતા. પરંતુ ઈંગ્લેન્ડ અંડર-19 સામેની વોર્મ-અપ મેચમાં વૈભવ ફક્ત 1 રન જ બનાવી શક્યો હતો. તે આ ટુર્નામેન્ટમાં સારી બેટિંગ કરવા અને ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મદદ કરવાનો લક્ષ્ય રાખશે.
આ પણ વાંચો: T20 વર્લ્ડકપ પહેલા આ દેશે પોતાની ટીમની કરી જાહેરાત, આ ખેલાડીને પહેલીવાર મળી તક