ઈરાની કપ 2025-26 મેચ નાગપુરના VCA સ્ટેડિયમમાં રમાઈ હતી, જ્યાં રણજી ટ્રોફી ચેમ્પિયન વિદર્ભે શાનદાર પ્રદર્શન કરીને રેસ્ટ ઓફ ઈન્ડિયાને 93 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે વિદર્ભે ત્રીજી વખત ઈરાની કપ જીત્યો. આ પહેલા ટીમે 2017-18 અને 2018-19માં ટ્રોફી જીતી હતી.
પહેલી ઈનિંગમાં તાઈડે અને રાઠોડની જોડીએ વિદર્ભને જીતનો પાયો નાખ્યો અને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને તેમને શરૂઆત મજબૂત રહી. ઓપનર અથર્વ તાઈડેએ શાનદાર સદી ફટકારી, તેને 15 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 143 રન બનાવ્યા. યશ રાઠોડે પણ તેની સાથે 91 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. બંને વચ્ચેની મજબૂત પાર્ટનરશીપે ટીમને પહેલી ઈનિંગમાં 342 રન સુધી પહોંચાડી. રેસ્ટ ઓફ ઈન્ડિયા માટે આકાશ દીપ અને માનવ સુથારે સૌથી વધુ 3-3 વિકેટ લીધી.
રેસ્ટ ઓફ ઈન્ડિયાની ખરાબ શરુઆત
જ્યારે રેસ્ટ ઓફ ઈન્ડિયા બેટિંગ કરવા ઉતર્યું ત્યારે વિદર્ભના બોલરોએ તેમને સ્થિર થવા દીધા નહીં. રેસ્ટ ઓફ ઈન્ડિયા 214 રનમાં ઓલઆઉટ થઈ ગયું. કેપ્ટન રજત પાટીદારે 66 રન બનાવ્યા, જ્યારે અભિમન્યુ ઈશ્વરને 52 રન બનાવ્યા. બોલિંગ વિભાગમાં યશ ઠાકુરે શાનદાર પ્રદર્શન કર્યું, તેને ચાર વિકેટ લીધી. હર્ષ દુબે અને પાર્થ રેખાડેએ પણ 2-2 વિકેટ લઈને ટીમની સ્થિતિ મજબૂત બનાવી.
બીજી ઈનિંગમાં પણ વિદર્ભનું વર્ચસ્વ રહ્યું
પહેલી ઈનિંગમાં લીડ મેળવ્યા બાદ વિદર્ભે બીજા ઈનિંગમાં સંયમ સાથે બેટિંગ કરી. ટીમે 232 રન બનાવ્યા અને રેસ્ટ ઓફ ઈન્ડિયા માટે 361 રનનો ટાર્ગેટ આપ્યો. પરંતુ રેસ્ટ ઓફ ઈન્ડિયાએ અંતિમ ઈનિંગમાં લડાયક પ્રયાસ કર્યો, પરંતુ તેઓ 267 રનમાં ઓલઆઉટ થઈ ગયા.
હર્ષ દુબે અને ઠાકુરની બોલિંગે મેચ જીતી લીધી
બીજી ઈનિંગમાં હર્ષ દુબેએ 4 વિકેટ લીધી, જ્યારે યશ ઠાકુર અને આદિત્ય ઠાકરેએ 2-2 વિકેટ લીધી, જેનાથી રેસ્ટ ઓફ ઈન્ડિયાની આશાઓ પર પાણી ફરી ગયું.
વિદર્ભે ત્રીજી વખત જીત્યો ઈરાની કપ
આ જીત સાથે વિદર્ભે ઈરાની કપના ઈતિહાસમાં ત્રીજી ટ્રોફી જીતી લીધી. અથર્વ તાઈડેની સદી અને યશ ઠાકુરની ઘાતક બોલિંગે ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.