મોહમ્મદ સિરાજ વિરાટ કોહલીને પોતાનો મોટો ભાઈ માને છે. જ્યારે પણ બંને મેદાન પર સાથે હોય છે, ત્યારે બંને એકબીજા માટે એક્સાઈટેડ જોવા મળે છે.


મોહમ્મદ સિરાજ વિશે વાત કરીએ તો તેને તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સિરીઝમાં શાનદાર બોલિંગ કરી હતી અને કુલ 23 વિકેટ લીધી હતી, જેના કારણે સિરીઝ 2-2 થી ડ્રો રહી હતી. વિરાટ કોહલી વિશે વાત કરીએ તો તેને ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે અને હવે તે ફક્ત ODI ક્રિકેટમાં જ રમતો જોવા મળશે.

વિરાટ કોહલીએ જાન્યુઆરી 2025 માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. આ મેચ પછી તેને મોહમ્મદ સિરાજને એક અમૂલ્ય ભેટ આપી છે, આ ભેટને મોહમ્મદ સિરાજે તેના ઘરમાં ખાસ સ્થાન આપ્યું છે.

સિરાજ વિરાટ કોહલીની ગિફ્ટ ક્યારેય નહીં ભૂલે

ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટ મેચ પછી વિરાટ કોહલીએ મોહમ્મદ સિરાજને પોતાની જર્સી આપી હતી. તેને આ જર્સી પર સહી પણ કરી હતી. ભારતીય ફાસ્ટ બોલરે આ જર્સીને ફ્રેમ કરીને પોતાના રૂમમાં મૂકી છે. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં મોહમ્મદ સિરાજ પોતાના રૂમમાં બેઠો છે. આ રૂમમાં વિરાટ કોહલીની જર્સી નંબર 18 દિવાલ પર લગાવેલી છે. મોહમ્મદ સિરાજે તેની બાજુમાં પોતાનો ફોટો પણ ફ્રેમ કરાવ્યો છે.


વિરાટ કોહલીની છેલ્લી ટેસ્ટ મેચની વાત કરીએ તો, તેને સિડનીમાં ટીમ ઈન્ડિયા માટે પહેલી ઈનિંગમાં 17 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઈનિંગમાં તે 6 રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદ સિરાજે પણ આ મેચમાં ભાગ લીધો હતો અને કુલ 4 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 6 વિકેટ બાકી રહેતા જીતી લીધી હતી. કોઈને ખબર ન હતી કે આ વિરાટ કોહલીની છેલ્લી ટેસ્ટ મેચ હશે. તેને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા જ ટેસ્ટ ફોર્મેટને અલવિદા કહી દીધું હતું.

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં મચાવી ધૂમ

આ તેજસ્વી બેટ્સમેને ટીમ ઈન્ડિયા માટે 123 ટેસ્ટ મેચોમાં 46.85 ની એવરેજથી 9230 રન બનાવ્યા છે, જેમાં 30 સદી અને 31 અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો બેસ્ટ સ્કોર 254 રન અણનમ રહ્યો છે. વિરાટ કોહલી છેલ્લે 2025 માં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ તરફથી રમતા જોવા મળ્યો હતો, જેને આ ટુર્નામેન્ટની ટ્રોફી જીતી હતી. હવે તે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે સિરીઝમાં રમી શકે છે. આ વનડે સિરીઝ 19 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે.

ઈંગ્લેન્ડમાં સિરાજનો દબદબો

મોહમ્મદ સિરાજની વાત કરીએ તો તેને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ખૂબ જ સારી બોલિંગ કરી હતી. તેને પહેલીવાર ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટો લીધી હતી. છેલ્લી ટેસ્ટ મેચમાં તેને ઈંગ્લેન્ડ સામે કુલ 9 વિકેટો લીધી હતી, જેના કારણે ટીમ ઈન્ડિયા 6 રનથી જીતી ગઈ હતી. હાલમાં બંને ખેલાડીઓ તેમની રજાઓનો એન્જોય કરી રહ્યા છે. મોહમ્મદ સિરાજ હવે 9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા એશિયા કપ 2025માં રમતો જોવા મળી શકે છે. ખૂબ જ ટૂંક સમયમાં આ ટુર્નામેન્ટની ભારતીય ટીમની પણ જાહેરાત કરવામાં આવશે.

  • Follow us on: