• ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક જ સિઝનમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો
  • રોનાલ્ડોની સાઉદી પ્રો લીગની વર્તમાન સિઝનમાં તેના ગોલની સંખ્યા 35 થઇ
  • રોનાલ્ડોએ સાઉદી પ્રો લીગમાં અબ્દુરઝાક હમદલ્લાહનો રેકોર્ડ તોડી નાખ્યો

અનુભવી ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સાઉદી પ્રો લીગ (SPL)ની એક જ સિઝનમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ગયા સોમવારે અલ નસ્ર વિ અલ ઇત્તિહાદ મેચમાં અલ નાસર તરફથી રમતી વખતે 2 ગોલ કર્યા, જેનાથી સાઉદી પ્રો લીગની વર્તમાન સિઝનમાં તેના ગોલની સંખ્યા 35 થઈ ગઈ. આ મેચમાં અલ નાસરે અલ ઇત્તિહાદને 4-2થી હરાવ્યું છે. રોનાલ્ડોએ સાઉદી પ્રો લીગમાં અબ્દુરઝાક હમદલ્લાહનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે 2018-2019 સિઝનમાં 34 ગોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

રોનાલ્ડોએ એક સિઝનમાં કર્યાં સૌથી વધુ ગોલ

39 વર્ષીય રોનાલ્ડોએ SPLની વર્તમાન સિઝનમાં 31 મેચ રમીને એક સિઝનમાં સૌથી વધુ ગોલ (35) કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ સિવાય પોર્ટુગીઝ ફૂટબોલ સ્ટાર ચાર દેશોની ચાર લીગમાં રમતી વખતે એક સિઝનમાં સૌથી વધુ ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ રેકોર્ડ હાંસલ કર્યા પછી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું, "હું રેકોર્ડ્સનો પીછો કરતો નથી, પરંતુ રેકોર્ડ્સ મારો પીછો કરે છે." અલ-નાસર વિ અલ-ઇત્તિહાદ મેચ પણ ચર્ચાનો વિષય બની હતી કારણ કે ચાહકો મેદાનમાં મેસ્સીના નામના નારા લગાવી રહ્યા હતા.


રોનાલ્ડોની ટીમ ટાઈટલથી ચુકી

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ અલ-નાસર 2023-2024 SPL સિઝનમાં બીજા સ્થાને રહી હતી. અલ-હિલાલે અલ-નાસરને હરાવીને સિઝનમાં 96 પોઈન્ટ મેળવીને ખિતાબ જીત્યો. પરંતુ બીજા સ્થાને હોવા છતાં, અલ-નાસરે AFC ચેમ્પિયન્સ લીગ એલિટ માટે ક્વોલિફાય કર્યું છે. તમને યાદ અપાવી દઈએ કે રોનાલ્ડો 2023માં અલ-નાસર ટીમમાં જોડાયો હતો અને ગત સિઝનમાં પણ તેની ટીમ બીજા સ્થાને રહી હતી. ગયા વર્ષે, અલ-ઇત્તિહાદે ટ્રોફી કબજે કરી હતી.

  • Follow us on: