- IPL 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે એક મોટો નિર્ણય લીધો
- IPL 2024માં ધોની ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે નહીં
- MS ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને બનાવાયો નવો કેપ્ટન
IPL 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે એક મોટો નિર્ણય લીધો છે. ચેન્નાઈએ પૂર્વ ભારતીય બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની પાસેથી કેપ્ટનશીપ લઇ લીધી છે. IPL 2024માં ધોની ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે નહીં. હવે ચેન્નાઈના વિસ્ફોટક બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ગાયકવાડ IPL 2024માં ચેન્નાઈની કેપ્ટનશીપ કરતા જોવા મળશે. રુતુરાજે વર્ષ 2019માં IPLમાં ચેન્નાઈ માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ 52 મેચ રમી છે, જેમાં તેણે પોતાના બેટથી 1797 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે ચેન્નાઈ તરફથી રમતા તેણે સદીની ઇનિંગ પણ રમી છે. ગાયકવાડના નામે IPLમાં 14 અડધી સદી છે.
ગાયકવાડ CSKનો ચોથો કેપ્ટન બન્યો
રૂતુરાજ ગાયકવાડ તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે. તેણે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. આ કારણોસર CSKએ ગાયકવાડ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે રૂતુરાજ CSKની કેપ્ટનશીપ કરનાર ચોથો ખેલાડી બની ગયો છે. તેના પહેલા સ્ટાર ખેલાડી સુરેશ રૈના અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ચેન્નાઈની કેપ્ટનશીપ કરી ચુક્યા છે. આવી સ્થિતિમાં, ગાયકવાડ પર આટલો મોટો સટ્ટો રમવો ચેન્નાઈ માટે કેટલો ફાયદાકારક છે તે જોવું રહ્યું.
CSK અને RCB વચ્ચે ઓપનિંગ મેચ
IPL 2024 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ સિઝનની ટુર્નામેન્ટની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ ચેન્નાઈના ચેપોકમાં યોજાવા જઈ રહી છે. જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એમએસ ધોનીના ચાહકો પણ IPL 2024ને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા હતા, પરંતુ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ધોનીના ફેન્સને મોટો આંચકો લાગ્યો છે. આવી સ્થિતિમાં ગાયકવાડની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.