- રિકી પોન્ટિંગનો દિલ્હી કેપિટલ્સ સાથે કરાર સમાપ્ત
- દિલ્હી કેપિટલ્સના કોચને લઈને સામે આવ્યા ત્રણ નામ
- જેમાં બે ભારતીય અને એક વિદેશીનો સમાવેશ
IPLમાં છેલ્લા 7 વર્ષથી દિલ્હી કેપિટલ્સના કોચ રહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગે આખરે ટીમ છોડી દીધી છે. પોન્ટિંગનો દિલ્હી કેપિટલ્સ સાથેનો કરાર હવે સમાપ્ત થઈ ગયો છે. જે બાદ હવે ફ્રેન્ચાઈઝી નવા કોચની શોધમાં છે. જેને લઈને ત્રણ દિગ્ગજોના નામ સામે આવી રહ્યા છે. જેમાં બે ભારતીય અને એક વિદેશીનો સમાવેશ થાય છે.
1. સૌરવ ગાંગુલી
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું છે. ગાંગુલી લાંબા સમયથી દિલ્હી કેપિટલ્સ સાથે ટીમ ડિરેક્ટર તરીકે જોડાયેલા છે. આવી સ્થિતિમાં ટીમના તમામ ખેલાડીઓ સાથે તેમનો તાલમેલ પણ સારો છે. ગાંગુલીએ દિલ્હી કેપિટલ્સના કોચ બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. જોકે, અત્યાર સુધી ફ્રેન્ચાઈઝી દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
2. મહેલા જયવર્દને
આ યાદીમાં શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દનેનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. જયવર્દને આ પહેલા IPLમાં પણ કોચની ભૂમિકા ભજવી ચૂક્યો છે. વર્ષ 2017માં જયવર્દનેને મુંબઈ ઈન્ડિયન્સનો કોચ બનાવવામાં આવ્યો હતો. આ પછી જયવર્દને વર્ષ 2019 સુધી મુંબઈ ઈન્ડિયન્સનો કોચ હતો. તેની કોચિંગ કારકિર્દીમાં, જયવર્દનેએ મુંબઈ ઈન્ડિયન્સને બે IPL ટ્રોફી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જયવર્દનેને કોચિંગનો ઘણો અનુભવ છે, તેથી જો મહેલા જયવર્દને દિલ્હી કેપિટલ્સના કોચ બને તો ટીમની સ્થિતિમાં ઘણો સુધારો થઈ શકે છે.
2. વીવીએસ લક્ષ્મણ
ઘણા અહેવાલો અનુસાર, દિલ્હી કેપિટલ્સના નવા કોચ તરીકે VVS લક્ષ્મણનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. વીવીએસ લક્ષ્મણ પાસે પણ કોચિંગનો ઘણો અનુભવ છે. હાલમાં લક્ષ્મણ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ ઈન્ડિયાને કોચિંગ આપી રહ્યો છે. આ પહેલા લક્ષ્મણ ઘણી સિરીઝમાં ટીમ ઈન્ડિયાના કોચ રહી ચૂક્યા છે. હાલમાં લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડમીના વડા પણ છે. જો કે તેમનો કાર્યકાળ પણ આ વર્ષે પૂરો થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તેને દિલ્હી કેપિટલ્સનો કોચ બનાવવામાં આવે તેવી શક્યતા છે.