- WPL 2024ની ફાઇનલમાં DCની RCB સામે 8 વિકેટે હાર
- દિલ્હી કેપિટલ્સ માટે પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેવું અશુભ
- દિલ્હી કેપિટલ્સ IPL અથવા WPLમાં એકપણ ટ્રોફી જીતી નથી
WPL 2024ની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ ટીમને RCB સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સ માટે કોઈ બોલર અને બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યા ન હતા. દિલ્હી કેપિટલ્સ ટીમે લીગ તબક્કામાં સારું પ્રદર્શન કર્યું હતું અને તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને હતી. પરંતુ ફાઇનલમાં ટીમને RCB સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી કેપિટલ્સ ટીમ અત્યાર સુધીમાં WPL અને IPL સહિત લીગ સ્ટેજમાં કુલ પાંચ વખત પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી છે, પરંતુ દરેક વખતે દિલ્હી કેપિટલ્સ ટીમ ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહી છે.
1. WPL 2024
WPL 2024માં મેગ લેનિંગની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ ટીમે લીગ તબક્કામાં 8 માંથી 6 મેચ જીતી હતી. ટીમને માત્ર બે જ હારનો સામનો કરવો પડ્યો હતો અને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહીને ટીમ સીધી ફાઇનલમાં પહોંચી ગઈ હતી. પરંતુ ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને RCB સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
2. WPL 2023
WPL 2023માં પણ દિલ્હી કેપિટલ્સે લીગ તબક્કામાં 8 માંથી 6 મેચ જીતી હતી અને પોઈન્ટ ટેબલમાં પ્રથમ રહીને, ટીમ સીધી ફાઈનલ માટે ક્વોલિફાય થઈ હતી. પરંતુ ફાઈનલ મેચમાં દિલ્હીનો મુંબઈ ઈન્ડિયન્સ સામે 7 વિકેટે પરાજય થયો અને દિલ્હી કેપિટલ્સનું ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.
3. IPL 2009
IPL 2009માં, દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ)એ લીગ તબક્કામાં 14 માંથી 10 મેચ જીતી હતી. ટીમ 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી. પરંતુ આ પછી સેમિફાઇનલ મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમને ડેક્કન ચાર્જર્સ સામે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો અને ટીમ ફાઇનલમાં પહોંચી શકી નહોતી.
4. IPL 2012
IPL 2012માં, દિલ્હી કેપિટલ્સે લીગ તબક્કામાં 16 માંથી 11 મેચ જીતી હતી અને ટીમ 22 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે રહી હતી. ત્યારબાદ દિલ્હી કેપિટલ્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થયું હતું. આ પછી, પ્રથમ ક્વોલિફાયરમાં, દિલ્હી કેપિટલ્સને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 18 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ બીજી ક્વોલિફાયર મેચમાં દિલ્હી ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 86 રનથી હારી ગયું હતું. આ રીતે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન હોવા છતાં ફાઇનલમાં પહોંચી શકી નથી.
5. IPL 2021
IPL 2021માં, દિલ્હી કેપિટલ્સ ટીમે લીગ તબક્કામાં 14 માંથી 10 મેચ જીતી અને ટીમ 20 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી અને પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. આ પછી, પ્રથમ ક્વોલિફાયરમાં, દિલ્હી કેપિટલ્સને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બીજી ક્વોલિફાયર જીતીને દિલ્હીને ફાઇનલમાં જવાની તક મળી હતી. પરંતુ બીજા ક્વોલિફાયરમાં KKR ટીમે દિલ્હીને 3 વિકેટે હરાવ્યું અને ફાઇનલમાં જવાનું દિલ્હીનું સપનું ચકનાચૂર થઈ ગયું.