- WPL ફાઈનલમાં RCBએ દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું
- શ્રેયંકા પાટીલે 3.3 ઓવરમાં 12 રન આપીને ચાર વિકેટ ઝડપી
- શ્રેયંકા પાટીલ ફાઈનલ મેચમાં સર્વશ્રેષ્ઠ સ્પેલ ફેંકનાર બોલર
વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની ફાઈનલ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ RCBના બોલરોની સામે દિલ્હી કેપિટલ્સની ટીમ કંઈ જ કમાલ કરી શકી નહીં. તે 18.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન RCBની શ્રેયંકા પાટીલે ઐતિહાસિક કારનામું કર્યું હતું.
શ્રેયંકા પાટીલે રચ્યો ઈતિહાસ
આ મેચમાં 21 વર્ષની શ્રેયંકા પાટીલે શાનદાર બોલિંગ કરી હતી. તે RCB માટે સૌથી સફળ બોલર પણ હતી. તેણે 3.3 ઓવરમાં 12 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે શ્રેયંકા પાટીલ વિમેન્સ પ્રીમિયર લીગની ફાઈનલ મેચમાં સર્વશ્રેષ્ઠ સ્પેલ ફેંકનાર બોલર પણ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સની હેલી મેથ્યુઝના નામે હતો. હેલી મેથ્યુઝે 2023 વિમેન્સ પ્રીમિયર લીગમાં 4 ઓવરમાં 5 રન આપીને 3 વિકેટ લીધી હતી.
સોફી મોલિનેક્સે કરી કમાલ
આ મેચમાં શ્રેયંકા પાટીલ ઉપરાંત સોફી મોલિનેક્સે પણ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. ખાસ વાત એ હતી કે સોફી મોલિનેક્સે એક જ ઓવરમાં ત્રણેય વિકેટ ઝડપી હતી. અગાઉ દિલ્હી કેપિટલ્સ ઝડપી ગતિએ રન બનાવી રહી હતી. પરંતુ સોફી મોલિનેક્સે એક જ ઓવરમાં આખી રમત બદલી નાખી હતી.
શેફાલી વર્માએ સૌથી મોટી ઇનિંગ રમી
ઓપનર શેફાલી વર્મા આ મેચમાં દિલ્હી કેપિટલ્સ માટે સૌથી સફળ બેટ્સમેન રહી હતી. શેફાલી વર્માએ 27 બોલમાં 44 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 2 ફોર અને 3 સિકસર ફટકારી હતી. તેના પછી કેપ્ટન મેગ લેનિંગે 23 રનનું યોગદાન આપ્યું હતું.