- દિલ્હી કેપિટલ્સના સ્ટાર બેટ્સમેન પૃથ્વી શોની મુશ્કેલીઓ વધી
- અંધેરી એરપોર્ટ પોલીસ સ્ટેશન પહોંચી સપના ગિલ
- સપના ગિલે પૃથ્વી શો પર છેડતીનો આરોપ લગાવ્યો હતો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર બેટ્સમેન પૃથ્વી શોની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ લઇ રહી નથી. ગયા વર્ષના વિવાદે IPLની મધ્યમાં એન્ટ્રી કરી છે. સપના ગીલની ફરિયાદ પર કોર્ટે પોલીસને તપાસનો આદેશ આપ્યો છે. સપના ગિલે પૃથ્વી શો પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસસી તાયડેએ પોલીસને 19 જૂન સુધીમાં તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પૃથ્વી શો અને અન્યો સામે FIR ન નોંધવા બદલ પોલીસ સામે પગલાં લેવાની ગીલની અરજીને ફગાવી દીધી હતી.
અંધેરી એરપોર્ટ પોલીસ સ્ટેશન પહોંચી સપના ગિલ
તમને જણાવી દઈએ કે સપના ગિલે ભારતીય ક્રિકેટર પૃથ્વી શો પર અંધેરીના એક પબમાં તેની છેડતી કરવાનો આરોપ લગાવ્યો હતો. પૃથ્વી શોએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. હાલમાં પૃથ્વી શો IPL 2024 સીઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહ્યો છે. ફેબ્રુઆરી 2023માં પૃથ્વી શો અને અન્ય લોકો પર હુમલો કરવાના આરોપમાં ગિલ અને તેના મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી. ગિલ હાલમાં જામીન પર છે, જામીન મળ્યા બાદ તે શો, તેના મિત્ર આશિષ યાદવ અને અન્યો સામે ફરિયાદ નોંધાવવા અંધેરી એરપોર્ટ પોલીસ સ્ટેશન પહોંચી હતી.
કોલકાતા સામે દિલ્હીની થઇ શરમજનક હાર
IPLમાં પૃથ્વી શોની ટીમ દિલ્હી કેપિટલ્સનું ખરાબ પ્રદર્શન યથાવત છે. અત્યાર સુધી દિલ્હીને માત્ર 1 જીત મળી છે, તથા 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે DCને 106 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ મેચમાં ઓપનર તરીકે આવેલા પૃથ્વી શોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. પૃથ્વી શો 10 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમ 17.2 ઓવરમાં માત્ર 166 રનમાં ઓલ આઉટ થઇ ગઈ હતી.