• હાર્દિકની આગેવાનીમાં મુંબઈની સતત ત્રણ મેચમાં હાર
  • હવે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ પર સવાલો ઉઠી રહ્યા છે
  • GTની સફળતા પાછળ મેન્ટર આશિષ નેહરાનો હાથ છે

IPL 2022 પહેલા ફ્રેન્ચાઈઝીની સંખ્યામાં વધારો થયો છે. BCCIએ 8ની જગ્યાએ 10 ટીમો વચ્ચે ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં 2 નવી ટીમો ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ જોવા મળી હતી. ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યા અને લખનૌ સુપર જાયન્ટ્સે કેએલ રાહુલને પોતાનો કેપ્ટન બનાવ્યો છે. હાર્દિકની કપ્તાની હેઠળ GTએ પ્રથમ સિઝનમાં જ ટાઇટલ જીત્યું હતું. પંડ્યા અહીં જ ન અટક્યો અને પોતાની ટીમને IPL 2023ની ફાઇનલમાં લઈ ગયા. નિર્ણાયક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે GTને 5 વિકેટે હરાવ્યું હતું.

પંડ્યાને ભાવિ કેપ્ટન માનવામાં આવતો હતો

2 સિઝન સુધી કેપ્ટનશિપમાં પોતાની ચમક દેખાડનાર હાર્દિકને ભારતીય ટીમનો ભાવિ કેપ્ટન માનવામાં આવતો હતો. તે T20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળ્યો હતો. IPL 2024 પહેલા, મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સ સાથે ટ્રેડ કર્યો હતો. આ પછી હાર્દિકને MIની કમાન સોંપવામાં આવી હતી. જોકે, હાર્દિકની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં પ્રથમ 3 મેચ હારી ગઈ છે. ત્યારથી હાર્દિકની કેપ્ટનશિપ પર સવાલો ઉઠી રહ્યા છે. લોકો કહે છે કે શું ગુજરાત ટાઇટન્સની સફળતા પાછળ મેન્ટર આશિષ નેહરાનો હાથ હતો.

આશિષ નહેરા ટીમને દિશા-નિર્દેશ આપતા

છેલ્લી બે સિઝનમાં ગુજરાત ટાઇટન્સની મેચો દરમિયાન આશિષ નેહરા ગ્રાઉન્ડ પરથી જ પોતાની ટીમને દિશા-નિર્દેશ આપતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ પણ વાયરલ થયા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આશિષ નેહરા GTનો અસલી કેપ્ટન છે. હાર્દિક અને નેહરાની જોડીમાં ગુજરાત સતત જીત નોંધાવી રહ્યું હતું. હવે હાર્દિક એકલો મુંબઈ ઈન્ડિયન્સમાં કેપ્ટનશીપની જવાબદારી સંભાળી રહ્યો છે, આવી સ્થિતિમાં તેના પર જીતનું અને પ્રશંસકોની અપેક્ષાઓનું પણ મોટું દબાણ છે. હાર્દિકના મોટા ભાગના નિર્ણયો ખોટા સાબિત થઈ રહ્યા છે. પ્રથમ બે મેચમાં હાર્દિકે પ્રથમ ઓવર નાંખી હતી જ્યારે ત્રીજી મેચમાં તેણે બિલકુલ બોલિંગ કરી ન હતી.

બીજી તરફ આશિષ નેહરા હજુ પણ ફૂટબોલ મેનેજરની જેમ મેદાનની બહાર ગુજરાત ટાઇટન્સના નવા કેપ્ટન શુભમન ગિલને માર્ગદર્શન આપી રહ્યા છે. ગિલ અને નેહરાની ભાગીદારીમાં ગુજરાત ટાઇટન્સ સારૂ પ્રદર્શન કરી રહી છે. GTએ અત્યાર સુધી 3 માંથી 2 મેચ જીતી છે. ગિલ પાસે કેપ્ટનશિપનો કોઈ અનુભવ નથી. તેમની પાસે મોહમ્મદ શમી જેવો મેચ વિનિંગ ખેલાડી પણ નથી. હજુ પણ નેહરાના નેતૃત્વમાં ટીમ જીત નોંધાવી રહી છે.

મુંબઈની સતત ત્રીજી હાર

મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2024માં અત્યાર સુધીમાં 3 મેચ રમી ચૂક્યું છે અને તમામ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 રનથી હરાવ્યું હતું. તેની બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પરાજય થયો હતો. SRH એ MIને 31 રને હરાવ્યું. આ મેચમાં હૈદરાબાદે મુંબઈના બોલરોની ધોલાઈ કરીને 277 રન બનાવ્યા હતા. મુંબઈના બેટ્સમેનોએ વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાર્દિકની ધીમી ઈનિંગને કારણે MI હારી ગઈ હતી. છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું હતું.

  • Follow us on: