દુલીપ ટ્રોફી 2024નો બીજો રાઉન્ડ 12 સપ્ટેમ્બરથી શરૂ થયો છે. બીજા રાઉન્ડમાં ટીમો બદલાતી જોવા મળી રહી છે, કારણ કે બાંગ્લાદેશ સાથેની ટેસ્ટ શ્રેણી માટે ટૂર્નામેન્ટમાંથી ઘણા ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. બીજા રાઉન્ડમાં ઈન્ડિયા A અને ઈન્ડિયા D વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઈન્ડિયા ડીના કેપ્ટન શ્રેયસ ઐયર ફરી એક વખત ફ્લોપ શોનો સાક્ષી બન્યો હતો. મેદાન પર આવતાની સાથે જ અય્યરે કંઈક એવું કર્યું જેનાથી ફરી સોશિયલ મીડિયા ખેલાડીઓની મજાક ઉડવા લાગી.
ખાતુ ખોલ્યા વગર આઉટ થયો ઐયર
આ મેચમાં શ્રેયસ ઐયર ચશ્મા પહેરીને બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો હતો. પરંતુ 7 બોલ રમ્યા બાદ ઐયર ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. ખલીલ અહેમદે ઐયરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ પછી સોશિયલ મીડિયા પર યુઝર્સે ઐયરને ખૂબ ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે હજુ સ્ટાઇલ માર..!
મુશ્કેલીમાં છે શ્રેયર ઐયરની ટીમ
આ મેચની પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતા 290 રન બનાવ્યા હતા. ભારત A તરફથી બેટિંગ કરતી વખતે શમ્સ મુલાનીએ સૌથી વધુ 89 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં મુલાનીએ 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જે બાદ સમાચાર લખાય છે ત્યાં સુધી ઈન્ડિયા ડી ટીમે 70 રનની અંદર પોતાના 4 મોટા ખેલાડીઓની વિકેટ ગુમાવી દીધી છે. સંજુ સેમસન પણ આ ઈનિંગમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો અને માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. હવે શ્રેયરની ટીમ થોડી મુશ્કેલીમાં હોય તેમ લાગે છે.