- ટીમ ઈન્ડિયા હાલમાં શ્રીલંકાના પ્રવાસ પર છે
- T20 સીરિઝની પ્રથમ મેચ 27 જુલાઈએ રમાશે
- દુષ્મંથા ચમીરા ઈજાને કારણે ટીમમાંથી થયો બહાર
સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા હાલમાં શ્રીલંકાના પ્રવાસ પર છે, જ્યાં ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે. સીરિઝની પ્રથમ મેચ 27 જુલાઈએ રમાશે. ટીમ ઈન્ડિયા તેની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન એક એવા સમાચાર સામે આવ્યા છે, જેનાથી શ્રીલંકન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સિરીઝના માત્ર ત્રણ દિવસ પહેલા જ ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરાને આખી સિરીઝમાંથી બહાર કરી દેવાયો હોવાનું બહાર આવ્યું છે. જો કે, શ્રીલંકા ક્રિકેટ બોર્ડે હજુ સુધી તેના સ્થાને કોઈની જાહેરાત કરી નથી.
દુષ્મંથા ચમીરા ભારત વિરુદ્ધ શ્રીલંકા સિરીઝમાંથી બહાર
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે મંગળવારે જ ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચની T20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી હતી. T20 વર્લ્ડકપ 2024માં ખરાબ પ્રદર્શન બાદ વાનિન્દુ હસરંગાએ કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હોવાથી ચરિથ અસલંકાને ટીમની કમાન સોંપવામાં આવી છે. આ ટીમમાં દુષ્મંથા ચમીરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે દુષ્મંત ચમીરા ઈજાગ્રસ્ત છે. ઈજાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. શ્રીલંકાએ હજુ તેના સ્થાનની જાહેરાત કરી નથી.
ભારત સામે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લીધી હતી
દુષ્મંથા ચમીરાનું બહાર થવુ શ્રીલંકા માટે વધુ સમસ્યારૂપ બની શકે છે કારણ કે તે ભારત સામે T20 ઈન્ટરનેશનલમાં શ્રીલંકા માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે ભારત સામે અત્યાર સુધીમાં 15 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને 16 વિકેટ લીધી છે. આ સિરીઝમાં તે શ્રીલંકા માટે ટ્રમ્પ કાર્ડ બની શક્યો હોત, પરંતુ ઈજાના કારણે તે પહેલાથી જ બહાર થઈ ગયો છે. જો કે આ સિરીઝ માટે શ્રીલંકન બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી ટીમ ઘણી મજબૂત છે. ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.
ભારત સામેની T20 સિરીઝ માટેની શ્રીલંકાની ટીમ
ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કુસલ પરેરા, અવિશકા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, દાસુન શનાકા, વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલાગે, મહેશ તિક્ષ્ણા, ચામિંદુ વિક્રમસિંઘે, મથિશા પાથિરાના, નુવાન તુષારા, બિનુરા ફર્નાન્ડો.