- ભારત અને શ્રીલંકા વચ્ચે T20 અને ODI સિરીઝ રમાશે
- બંને ટીમો વચ્ચે T20 સિરીઝ 27 જુલાઈથી શરૂ થશે
- ગંભીરે ખેલાડીઓ સાથે લાંબી વાતચીત કરી હતી
ભારતીય ટીમ આ દિવસોમાં શ્રીલંકાના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે 3 ODI અને 3 T20 મેચોની સિરીઝ રમાશે. બંને ટીમો વચ્ચે T20 સિરીઝ 27 જુલાઈથી શરૂ થશે. આ પહેલા ટીમ ઈન્ડિયા હવે જોરશોરથી પ્રેક્ટિસ કરી રહી છે. નવા હેડ કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા 23 જુલાઈના રોજ પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં જોડાઈ હતી. પૂર્વ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થયા બાદ હવે જોવાનું એ રહે છે કે ગૌતમ ગંભીર પણ રાહુલની યોજના પર કામ કરશે કે પછી ગંભીરનો અભિગમ અલગ હશે.
ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન
પ્રથમ પ્રેક્ટિસ સેશન દરમિયાન નવા હેડ કોચ ગૌતમ ગંભીરની રણનીતિ પણ પૂર્વ કોચ રાહુલ દ્રવિડ અને પૂર્વ કેપ્ટન રોહિત શર્મા જેવી જ જોવા મળી હતી. T20 ટીમના નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવે ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. આ પછી પ્રેક્ટિસ સેશનની શરૂઆત શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલની બેટિંગથી થઈ હતી. આ દરમિયાન ગંભીરનો સંદેશ સ્પષ્ટ હતો કે દરેક બોલ પર હુમલો કરવો. બેટિંગ સેશનને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પહેલા સેશનમાં ઓપનરોએ 40 મિનિટ સુધી પ્રેક્ટિસ કરી ત્યાર બાદ મિડલ ઓર્ડર અને લોઅર ઓર્ડરના બેટ્સમેનોએ પ્રેક્ટિસ કરી હતી.
ગંભીરે ખેલાડીઓ સાથે લાંબી વાતચીત કરી હતી
પ્રેક્ટિસ સેશન દરમિયાન હેડ કોચ ગૌતમ ગંભીરે હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે લાંબી વાતચીત કરી હતી. હાર્દિક બેટિંગ પહેલા બોલિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. આ પછી પંડ્યાએ સહાયક કોચ અભિષેક નાયરની દેખરેખ હેઠળ બેટિંગની પ્રેક્ટિસ કરી હતી.
આ દરમિયાન હાર્દિક ખૂબ જ પોઝિટિવ દેખાઈ રહ્યો હતો. હાર્દિકને T20 ટીમનો કેપ્ટન કેમ ન બનાવવામાં આવ્યો તે મુદ્દો આટલા દિવસોથી ચર્ચામાં રહ્યો હોવા છતાં પ્રેક્ટિસ દરમિયાન પંડ્યા પર આ બધી બાબતોની કોઈ અસર થઈ હોય તેવું લાગતું નથી.