- વિનેશ ફોગાટે રક્ષાબંધનના તહેવાર પર ઓલિમ્પિકની જર્સી પહેરીને ભાઈને બાંધી રાખડી
- વિનેશના સ્વાગમાં તેમના ગામમાં 750 કિલો દેશી ઘીના લાડુ બનાવાયા હતા
- વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં 100 ગ્રામ વધુ વજન હોવાથી અયોગ્ય ઠેરવાઈ હતી
ભારતની સ્ટાર મહિલા રેસલર વિનેશ ફોગાટ ભારત પરત ફરી છે. પેરિસ ઓલિમ્પિક્સ 2024 તેના માટે ખરાબ સપનાથી ઓછું ન હતું. પરંતુ તે હવે પેરિસ ઓલિમ્પિકને ભૂલીને આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન રક્ષાબંધનના અવસર પર તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે તેના ભાઈ સાથે જોવા મળી રહી છે. વિનેશ ફોગાટ તેમના ભાઈને રાખડી બાંધવા માટે પોતાના ગામ ચરખી દાદરી હરિયાણા આવી હતી.
ભાઈએ આપ્યું નોટોનું બંડલ
વિનેશ ફોગાટે રક્ષાબંધનના તહેવાર પર તેમના ભાઈને ઓલિમ્પિકની જર્સી પહેરીને રાખડી બાંધી હતી. આ દરમિયાન તેમણે વીડિયોમાં કહ્યું કે, 'હું 30 વર્ષની થઈ ગઈ છું. પહેલા તે મને 10 રૂપિયા આપતો હતો, ગયા વર્ષે તેણે મને 500 રૂપિયા આપ્યા હતા. આ વખતે તેણે જીવનભરની કમાણી આપી દીધી. આભાર ભાઈઓ અને બહેનો. આ વીડિયો તેના ભાઈએ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું
વિનેશ ફોગાટ શનિવારે દિલ્હી પહોંચી હતી ત્યારે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ પર વિનેશ ફોગાટનું સ્વાગત કરવા માટે તેમનો પરિવાર, મિત્રો અને સાથી રેસલર સાક્ષી મલિક અને બજરંગ પુનિયા આવ્યા હતા. વિનેશ ફોગાટ ગામમાં પહોંચી ત્યાં સુધીમાં તો હજારો લોકો સ્વાગત કરવા આવી પહોંચ્યા હતા. લોકોની ભીડ જોઈને વિનેશ ફોગાટ ભાવુક થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગમાં ફાઇનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી.
લોકોએ મને ગોલ્ડ મેડલ જીતવા કરતાં વધુ પ્રેમ આપ્યો
લોકોનો પ્રેમ જોઈને વિનેશે કહ્યું હતું કે, 'શું થયું જો હું મેડલ ના જીતી શકું તો અહીંના લોકોએ મને ગોલ્ડ મેડલ જીતવા કરતા પણ વધુ પ્રેમ આપ્યો છે. તેમના સ્વાગત માટે તેમના ગામમાં 750 કિલો દેશી ઘીના લાડુ બનાવવામાં આવ્યા હતા. દિલ્હી એરપોર્ટથી તેના ગામ પહોંચવામાં તેને 12 કલાકથી વધુ સમય લાગ્યો હતો.